ભરૂચના વોર્ડ નંબર પમાં ફેલાયેલી ગંદકીના મુદ્દે નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક નગરસેવકો વામણાં પુરવાર થતાં ઠેર ઠેર ફેલાયેલા ગંદકીના ઢગલાને આખરે આરએસએસના સ્વયંસેવકોએ સાફ કર્યા હતાં.
શહેર મહામંત્રી રાજશેખર દેશાવર, પૂર્વ પ્રમુખ પદમાબેન લોટવાલા અને નગરપાલિકાની લાઇટ કમિટીના ચેરમેન ઠાકોર વણકરના વોર્ડ એવા વોર્ડ નંબર પમાં સાફ સફાઇ કરવામાં આવતી નહિ હોવાથી ગંદકી ફેલાઇ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહિશોએ જાહેરમાં બોર્ડ લગાવી પાલિકા સત્તાધીશો અને સ્થાનિક નગર સેવકોની આબરૂને લીલામ કરી નાંખી હતી.
વોર્ડ પમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ કરતી ગટરની સફાઇમાં દુર્લક્ષ સેવાતાં રહિશોને વર્ષોથી યોજાતા શેરી ગરબાંઓને બંધ કરવાની ફરજ પડી હતી. આ વોર્ડમાં સફાઇના મામલે પાલિકા સત્તાધીશોની નિષ્કાળજીથી રોષે ભરાયેલાં રહિશોએ બેનર મારી આક્રોશ ઠાલવ્યો હોવા છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી.
આખરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ ભેગાં મળી વોર્ડ પમાં સફાઇની કામગીરી હાથ ધરી ભાજપના અગ્રણીઓ તેમજ પાલિકાના સત્તાધીશોને લપડાક મારી છે. સફાઇના મુદ્દે પાલિકાનો સેનેટરી વિભાગ તેમજ ભાજપના હોદ્દેદારો વામણા ઉતરતા વોર્ડનં.પ ના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.