-લૂંટારુઓ નવા નિશાળિયા હોવાની આશંકા
-તેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભા હતાં
અંક્લેશ્વરની વાલિયા ચોકડી પાસે ઉભેલાં ભરૂચના યુવાનને એક કારમાં સવાર ત્રણ યુવાનોએ લિફ્ટ આપ્યાં બાદ ચપ્પુની અણીએ સોનાની વિંટી અને એટીએમ કાર્ડ છીનવી કાર્ડથી રૂપિયા કાઢી લઇ ૨૯,૪૦૦ મત્તાની લૂંટ ચલાવી હોવાનો બનાવ ગઇ કાલે મોડી સાંજે બન્યો હતો.
ભરૂચના નારાયણ નગર ખાતે રહેતાં જયપ્રકાશ અર્જુનભાઇ ગામીત બુધવારે મોડી સાંજે સૂરત તરફ જવાના હોઇ તેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભા હતાં. તે અરસામાં અલ્ટો કાર તેમની સામે આવીને ઉભી રહી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓએ તેમને લિફ્ટ આપવાનું જણાવી તેમન કારમાં બેસાડયાં હતાં. વાલિયા ચોકડીથી થોડે અંતરે કારમાં સવાર યુવાનોએ ચપ્પુ કાઢી જયપ્રકાશને ધાકધમકી આપી તેમની અડધા તોલાની વિંટીની લૂંટ કરી હતી. જે બાદ તેમના પાકિટમાંની રોકડ રકમ કાઢી લીધી હતી. બનાવના પગલે જયપ્રકાશ ગામીતે અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતાં સબ ઇન્સ્પેક્ટર એસ.ડી. કરાટે આગળની તપાસ હાથ ધરી કિમ ચોકડી પરના બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનના સીસીટીવીના ફૂટેજ મેળવવાના તેમજ ત્રણેય લૂંટારૂને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લૂંટારુઓ નવા નિશાળિયા હોવાની આશંકા
ભરૂચના શિક્ષકને પોતાની કારમાં લિફ્ટ આપ્યા બાદ તેમને ચપ્પુની અણીએ લૂંટી લેનાર ત્રણેય લૂંટારૂઓએ કીમ ચોકડી પાસેના એક એટીએમ મશીનમાંથી કુલ ૧૮,૪૦૦ રૂપિયા ઉપાડયાં હતાં. જે બાદ તેમણે એટીએમ મશીનમાંથી બહાર કાઢેલાં રૂપિયામાં ૨ હજાર રૂપિયા પરત આપ્યાં હતાં. જેને કારણે લૂંટ કરનારાઓ નવા નિશાળીયા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે.