સદગુરૂધામ બરૂમાળ ખાતે ભાવભાવેશ્વરના ચાલી રહેલા દશાબ્દી મહોત્સવના ચોથા દિવસે રામ પારાયણમાં રામ અને શ્રીકૃષ્ણની વાતો થઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અજન્મા છે. છતાં દુનિયા એની જન્માષ્ટમીના દિવસે જન્મ દિવસ ઉજવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર જોઇએ છે ત્યારે ચિત્રાવલી નહીં ચરિત્રાવલી અનુભવાય છે, એમ સ્વામી સત્યમિત્રાનંદગિરજિી મહારાજે જણાવ્યું હતું.
સદગુરુધામના પ્રણેતા સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ એક મહાન વિભૂતિ છે, એમ જણાવી સ્વામી સત્યમિત્રાનંદગિરિજી મહારાજે જણાવ્યું કે, તેમણે આદિવાસી સમાજના કલ્યાણ માટે આરણ્યકમાં ભાવભાવેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી અને ભવ્ય મંદિર બનાવ્યુ. જે સાચા અર્થમાં ધર્મ ચક્રવર્તી સમ્રાટ છે. ઉપસ્થિત ભક્તોને સંબોધતા સ્વામી સત્યમિત્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, આપણાં શાસ્ત્રો ત્યાગમાં બલિદાનનો બોધ આપે છે. દેવો, ઋષિ દધીચી પાસે જઇ વિનંતી કરે છે કે, માનવ ઉદ્ધાર માટે અમને તમારાં અસ્થિ જોઇએ છે. ઋષિ દધિચીએ એકપણ પળનો વિચાર કર્યા વગર સ્વીકાર કરે છે, એ માનવ કલ્યાણની ભાવના હતી.
અત્યારના શાસકો પર કટાક્ષ કરતા જણાવ્યું કે અત્યારનો શાસક એકાદ બે વર્ષમાં ૨૦૦ થી ૩૦૦ કરોડનો આસામી બની જાય છે, એવી સૌ કલ્યાણની ભાવના રાખે છે. વેદના પાઠ અંગે જણાવ્યું કે સોબર નામના વિદેશી વિદ્વાન વેદનું પઠન કરતા હતા. વેદના પઠન બાદ ભારતીય વિદ્વાનોને મળ્યા અને કહ્યુ કે હું હિન્દુ ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી છું. પૂર્વ જન્મમાં અમે માનતા નથી. પરંતુ સનાતન ધર્મનું સાહિત્ય વેદ પુરાણ ઉપનિષદો વાંચ્યા પછી મને પૂર્વ જન્મમાં શ્રદ્ધા બેઠી છે.
હું ખ્રિસ્તી હોવા છતાં તમારા ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, મારો આવતો જન્મ ભારતમાં મનુષ્યરૂપે થાય અને હું વેદનો પાઠ કરું. રામાયણમાં સીતા અને મહાભારતમાં ગીતા એને આપણે યાદ કરવા જોઇએ. માતા સીતાએ એક તૃણ ઉપાડ્યું એમાં રાવણને હજાર તલવારના દર્શન કરાવ્યા. મહાભારતમાં ગીતાના ઉપદેશથી ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનનો વિષાદ દૂર કર્યો હતો.