- રેસ્ટોરાંએ ભાવ વધારતા ઘરાકીમાં પાંચ થી પંદર ટકાનો ઘટાડો
કાંદા અને લસણ સહિત કેટલીક ખાદ્યચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવાને લીધે હોટલ-રેસ્ટોરાંના બિઝનેસ પર અસર થઈ રહી છે. ખાદ્યચીજવસ્તુઓની કિંમતમાં વધારો થતાં રેસ્ટોરાંના માલિકોને ભાવ વધારો કરવાની ફરજ પડી. તેની સીધી અસર તેમની ઘરાકી પર જોવા મળી રહી છે.
નિરાશ થયેલા રેસ્ટોરાંના માલિકો આ ભાવવધારાને કૃત્રિમ ગણાવે છે. તેઓ કહે છે કે વાયદા બજારને લીધે જ આ સ્થિતિ ઊભી થઈ છે. તેમણે સવાલ કર્યો છે કે ઉત્પાદન મબલખ થયું હોવા છતાં કોમોડિટીઝના ભાવમાં અસાધારણ વધારો થયો છે.
અત્યારે કાંદા અને લસણના ભાવો સામાન્ય માણસોની સાથે રેસ્ટોરાંના માલિકોને પણ દઝાડી રહ્યા છે. સાધારણ સંજોગોમાં ૭-૮ રૂપિયા કિલો મળતાં કાંદાના ભાવ ૪૦ની આસપાસ સ્થિર થયા છે જ્યારે ૧૮૦ થી ૨૦૦ રૂપિયે કિલો મળતા લસણના ભાવ ૩૦૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યા હોવાથી મધ્યમ વર્ગને સૌથી વધુ અસર થઈ રહી છે.
ગરીબ અને મધ્યમ વર્ગ સિવાય આની સૌથી વધુ અસર રેસ્ટોરાં બિઝનેસ પર થઈ રહી છે. ભાવ વધારાને કારણે રેસ્ટોરાંના માલિકોએ પ્લેટદીઠ ભાવવધારો કરવાની ફરજ પડી હોવાથી ઘરાકીમાં ખાસ્સો ફેર પડી ગયો છે.
સાધારણ રીતે દરેક ગ્રાહક પોતાનું બજેટ નક્કી કરીને રેસ્ટોરામાં જાય છે અને નિયત મર્યાદામાં ફુડ મંગાવે છે. ભાવ વધારાના કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી છે. એક અંદાજ મુજબ રેસ્ટોરામાં ૫ થી ૧૫ ટકા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક રેસ્ટોરાં માલિકોએ ગ્રાહકોને ટકાવી રાખવા માટે ભાવ વધાર્યા નથી.
- ભાવ વધારાની પરંપરાનો ક્યારે અંત આવશે
હવે તો દર મહિને કોઈને કોઈ કોમોડિટીના ભાવમાં મરણતોલ ભાવ વધારો રૂટીન થઇ ગયો છે. અત્યારે કાંદા અને લસણ દઝાડી રહ્યા છે. આના ભાવ અંકુશમાં આવશે તો બીજી કોઇ કોમોડિટીઝ માર્કેટને દઝાડશે. આ પરંપરાનો ક્યારે અંત આવશે તે કહેવું મુશ્કેલ છે.- અરૂણ શેટ્ટી, પ્રમુખ, સર્ઘન ગુ.હો.રે. એસો.