તેમના દેહદાન માટે સર્વે સ્વજનોની સંમતિ મળી ચૂકી છે
ગણદેવી તાલુકાના કછોલી ગામના વતની રમણભાઈ દેસાઈ ઉર્ફે રમણ કછોલીકરે સુરતની સત્યશોધક સભા મારફત દેહદાન કર્યું છે. તેઓ રેશ્નાલિસ્ટ વિચારધારામાં માનતા હોય, એમના મૃત્યુ પછીની કોઈપણ ક્રિયા કે વિધિ જેવી કે શ્રાદ્ધ-તર્પણ, સ્મશાનયાત્રા, બેસણુ, કેશમુંડન કે મૃત્યુવરો ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના દેહદાન માટે સર્વે સ્વજનોની સંમતિ મળી ચૂકી છે.
રમણભાઇ દેસાઈએ પાંચ દાયકાથી પત્રકારિત્વ ક્ષેત્રની સેવા દરમિયાન વિવિધ દૈનિકો, માસિકો તથા સાપ્તાહિકોમાં અવારનવાર સ્વતંત્ર લેખો તથા રિપોર્ટિગ પણ કર્યું હતું. તેમણે એમની જીવન કારકિર્દીનો પ્રારંભ સ્નાતક થઈને મુંબઈની મરીના મોર્ડન હાઈસ્કૂલ શૈક્ષણિક કાર્યથી કર્યો હતો.
ત્રણેક વર્ષ સેવા આપ્યા બાદ ટીબીની માંદગીને કારણે એમણે મુંબઈ છોડવું પડ્યું હતું. બે વર્ષની સારવાર બાદ ડાંગના આદિવાસી ક્ષેત્રમાં ૨૫ વર્ષ સુધી સમાજસેવાનું કાર્ય કર્યું હતું, ત્યારબાદ માદરે વતન કછોલીમાં કૃષિ કાર્ય સંભાળ્યું હતું. હાલ કછોલીમાં નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.