સિલ્ક અને ડાયમંડ સિટી તરીકે વૈશ્વિક સ્તરે નામના પામનાર સુરત શહેર વિકાસની હરણફાળની ભલે ગવાહી પૂરતું હોય પરંતુ તેની ચમક-દમકની પાછળ કેટલીક નરસી બાબત પણ છે અને તે એ કે પરિવાર દ્વારા જ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપે છે. વરિયાવી બજારના રેડ લાઇટ એરિયાને બંધ કરાવીને સમાજ ભલે પોતાને સાફ હોવાનું માની રહ્યો હોય પણ કેટલાક કિસ્સામાં કડવી વાસ્તવિકતા એ છે કે પતિ, પિતા, કાકી અને પરિવાર જ પોતાના ઘરની વહુ, દીકરી અને પત્નીને દેહવેપારમાં ધકેલી રહ્યો છે.
કેટલાક મજબૂરીના નામે તો કેટલાક મોજશોખ કે ઝડપી નાણાં કમાવાની લાયમાં આ કાળું કામ કરાવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે સુરત તેની સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થાને છિન્નભિન્ન થતું જોઈ રહ્યું છે. દિન-પ્રતિદિન આ દૂષણ ઉધઈની જેમ શહેરમાં પ્રસરી રહ્યું છે. હવે તેને રોકવાની જવાબદારી સમાજે જ ઉઠાવવી પડશે. અન્યથા એટલું મોડું થઈ જશે કે વાત સમાજના હાથ બહારની થઈ રહેશે...
હકીકતઃ1
સોનમનો ખુદ પિતા જ દલાલ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે તે વાતની જાણ તો ત્યારે થઈ જ્યારે બે વાગે મળવા માટે સંમત થતાં તેના ઘરે મુલાકાત થઈ. તેણે ૩૦૦૦માં વાત નક્કી કરી હતી.
લાઇવ વિથ સોનમ
વરાછાના એક દલાલ મારફતે વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલી હોટલના રૂમમાં સોનમ (નામ બદલ્યું છે) પહેલા મુંબઈની કોલગર્લ લાગી પરંતુ તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તે જૂનાગઢના પટેલ પરિવારની યુવતી છે. તેણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું મારી માનું મૃત્યુ તે હજુ સમજણી થઈ ન હતી ત્યારે થયું હતું.
પિતાએ ઘરની જવાબદારી સોંપી. નાની બહેનના અભ્યાસના ખર્ચને પિતા પહોંચી શકતા ન હતા આસપાસના લોકો જે વૈભવથી જીવન જીવતા હતા તે જોઈ શકાતું ન હતું. આથી નાછુટકે આ કામ શરૂ કર્યું. પિતાને માલૂમ છે પણ તેઓ કંઈ કહેતા નથી. તેમની મૂકસંમતી છે.
હકીકતઃ2
પૂણા યોગીચોકના એક એપાર્ટમેન્ટમાં પિતા દ્વારા જ પુત્રી પાસે ધંધો કરાવવામાં આવે છે તેવી માહિતી મળતાં તેના ઘરે ગયા હતા. વાતચીત દરમિયાન પિતાને ગંધ આવી જતાં તેણે ચાલતી પકડી હતી.
લાઇવ વિથ રેખા
વરાછા, કતારગામ, પૂણા વિસ્તારમાં આજકાલ રેખા (નામ બદલ્યું છે) ખૂબ જ હોટફેવરિટ નામ છે. ખુદ કાકી રેખાનો વહીવટ કરે છે. પરિવારે એક નહીં બે સગી બહેનને આ ધંધામાં ધકેલી દીધી છે. એપાર્ટમેન્ટના ફ્લેટમાં રેખા મેકઅપ કરીને તૈયાર જ હતી. પહેલાં તો તેણે પોતાની પર્સનલ વાતો કરવાની ના પાડી. પરંતુ બિયરનાં બે ટીન પીધા પછી કહ્યું આર્થિક સંકડામણ ન હતી પરંતુ મોજશોખ માટે પતિએ જ આ ધંધામાં એક વર્ષથી નાખી. મારી પાસે હીરાના મોટા મોટા માણસો આવી ગયા છે. એટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે મને ફાવટ આવી જતાં પછી હું મારી નાની બહેનને પણ લઈ આવી હતી.
હકીકતઃ3
એક દલાલ મારફતે ૧૭ વર્ષની યુવતીની માગણી કરતાં તેણે અમને આ યુવતીને દેખાડી હતી. ગાડી પરથી ઊતરીને આ યુવતી ખાનગી વાત કરવા માટે અમારાથી દૂર જતી રહી હતી.
લાઇવ વિથ ભાવના
લંબે હનુમાન રોડના યુવાનોમાં તેમજ ધંધાર્થીઓમાં ફેમસ પાત્ર હોય તો તે ભાવના છે પરંતુ તેની શરત સાંભળીને કુતૂહલ થયું, કારણ કે તેનું કાર્યક્ષેત્ર માત્ર ઘોડદોડ રોડ અને સિટીલાઇટ રોડ છે. પરિણીતા હોવા છતાં બેફિકર એક્ટિવા લઈને નીકળી પડતી ભાવનાના પતિને પણ સઘળી જાણકારી છે પરંતુ બિનધાસ્ત બ્યુટી ભાવના કહે છે કે હું મોજશોખ માટે આ કામ કરું છું. પતિ તો દારૂના રવાડે ચડી ગયો છે અને કંઈ કમાતો ન હોવાથી ઘરખર્ચ કાઢવો, ઉપરાંત છોકરી પણ હવે યુવાન થઈ હોવાથી મોજશોખના ખર્ચને મોંઘવારીના સમયમાં પહોંચવું અઘરું છે.
હકીકતઃ4
એક પરિવારની મહિલાએ ફોન પર કહ્યું બપોરે ૪ વાગે તેમની બંને પુત્રી પાછી આવશે. બંને પુત્રી તેના ઘર પાસે જ દેખાઈ. તેને ગ્રાહક મૂકવા આવ્યો હતો, પછી અમે એક પરિવારનો સંપર્ક જ કર્યો ન હતો.
એક પરિવારની દાસ્તાન
વરાછા રોડ પર રહેતો એક પરિવારે સાત વર્ષ પહેલાં આ ધંધામાં ડગ માંડ્યોહતો. પરિવારની મહિલાએ પહેલાં ગ્રુપના લોકો વચ્ચે આ ધંધાની શરૂઆત કરી હતી પરંતુ પછી તે ક્યારેય પાછી વળી શકી ન હતી. હવે આ ગ્રુપ એટલું મોટું બની ગયું છે કે સમગ્ર વરાછામાં પરિવાર ફેમસ છે.
ધીમેધીમે તેની બે યુવતી યુવાન થતાં તેને પણ આ જ ધંધામાં જોડી દીધી હતી અને આજે ખુદ માતા યુવતીને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. પરિવાર દ્વારા જ યુવતી પાસે ધંધો કરાવવાનું આ કેસ કરતાં વિશેષ કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે.
ટોટલ રિકોલ - ૧ : વરાછા ગેંગરેપ કેસ
વરાછા વિસ્તારમાં રહેતા ગિરધર કોરાટ નામના યુવકના માંડ માંડ ૨૮ વર્ષે આદિવાસી મહિલા સાથે લગ્ન થયાં હતાં. આઠ વર્ષથી સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા ગિરધરે ગુજરાન ચલાવવા માટે પડતી મુશ્કેલી દૂર કરવા પટેલ સમાજને લાંછન લાગે તેવી હરક્ત કરી હતી. ખુદ પતિ દ્વારા પત્નીને મિત્રોની સૈયા પર સૂવડાવવાની હરક્તથી સૌ કોઈ લાગતાવળગતા લોકોને આંચકો લાગ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે સમગ્ર કેસની અસલિયત બહાર આવી તે જોઈને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે.
ટોટલ રિકોલ - ૨ : કામરેજ ‘ ફ્રી સેક્સ ’ કેસ
કામરેજ તાલુકાના વાવ ગામે રહેતી યુવતી સાથે ચેટિંગ દરમિયાન પ્રેમમાં પડેલા પંજાબી અરોરા પરિવારના સભ્યે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ ખુદ પતિએ જ પત્નીને તેના ભાઈ, મિત્રો સાથે સૂઈ જવાની ફરજ પાડી હતી અને આખરે વાવની મહિલાથી અત્યાચાર સહન ન થતાં તેણે ન્યાય માટે પોલીસનાં દ્વાર ખખડાવ્યાં છે ત્યારે આર્થિક રીતે સંપન્ન એવા આ પરિવારના પગ તળેથી ધરતી ખસી ગઈ છે. પરંતુ આ મહિલાની વ્યથા જે ફરિયાદમાં કહેવામાં આવી છે તે રૂંવાડા ઊભા કરી દેનારી છે. આ કિસ્સા તો પોલીસ ચોપડે નોંધાયા એટલે બહાર આવ્યા છે પરંતુ વણનોંધાયેલા અને લાઇવ વાતચીતમાં અનેક બાબતો જાણવા મળી છે.
સુરતમાં કેટલાક વ્યવસાયમાં આવેલી મંદીને કારણે ઘણા પરિવારો શહેર છોડી વતન જતા રહ્યા હતા, જ્યારે જે લોકોને વતન જવું પાલવે તેમ ન હતું તે લોકો જાણ્યે અજાણ્યે આ દેહવક્રિયના વ્યવસાયમાં આવી ગયા હતા. મહદઅંશે આજે આ વ્યવસાયની પરિસ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ સુધરી છે, પરંતુ તેમાંથી પરત ફરવાને બદલે ખોટા ધંધાની ચકાચૌંધમાં એટલા બધા ખૂંપી ગયા છે કે તેમને બહાર નીકળવાનો હવે કોઈ રસ્તો દેખાતો નથી.
અત્યાર સુધી જે વાતો લોકમુખે સાંભળવા મળતી હતી અથવા તો કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં આવતી હતી તે વાત ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં ઉઘાડી પડી રહી છે. વેશ્યાવૃત્તિનું કારણ કંઈ પણ હોય પણ તે સમાજના રક્ષકો, કાયદો-વ્યવસ્થા જાળવતી પોલીસ માટે ચેલેન્જિંગ બની રહ્યું છે. તેને હવે આગળ વધતું રોકવાનું કામ આ બંને જવાબદારોનું છે.
કતારગામને ભારે બદનામ કરતું ભાભી નેટવર્ક
કતારગામ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં ભાભી નેટવર્ક આજકાલ ખૂબ બદનામ થયું છે. મોબાઇલ નેટવર્ક દ્વારા જ લગભગ દોઢસો જેટલા ગ્રાહકો જોડાયેલા છે અને વિવિધ પરિવારની ૧૨થી ૧૫ પરિણીતા સામેલ છે. કોઈ મોજશોખ માટે તો વળી કોઈ મજબૂરીમાં આ ધંધામાં જોડાયેલી છે.
વીક એન્ડમાં દમણ અને મુંબઈની ટ્રિપ
સમગ્ર શહેરમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વીક એન્ડમાં પસંદગીની કોલગર્લ સાથે દમણ અથવા તો મુંબઈ જઈ મોજશોખની પ્રવૃત્તિ એટલી હદે ફૂલીફાલી છે કે આજે કોઈ વ્યક્તિ સાચા અર્થમાં બિઝનેસ ટૂર પર મુંબઈ જવાની વાત કરે તો પણ લોકો તેનું અર્થઘટન તો બીજું કંઈ સમજે છે.
જલસા કરવા માટે વિદેશ જાય છે
સુરતનાં સંપન્ન પરિવારના યુવકો ખાસ જલસા માટે વિદેશ ટૂર પર જાય છે. વળી, સમાજમાં તેઓ આ ટૂરને સ્ટેટસ સિમ્બોલ માને છે અને એક મહિના સુધી આ યુવકો મિત્રવર્તુળોમાં કહેવાતા જલસાની વાતો કરે છે, જેથી ખર્ચને પહોંચી ન શકતાં મિત્રો પણ લલચાય છે.