ભાજપ સરકારની નીતિરીતિને કારણે ભાડામાં વધારાનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસના શાસનમાં કોઈપણ સામાજિક કે ધાર્મિક પ્રસંગ એસટી બસો વ્યાજબી ભાડામાં ઉપલબ્ધ હતી
એસટીના ભાડામાં થતા ભાવવધારાનો વિરોધ કરતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ નવસારી ડેપો મેનેજર ગીતેને આવેદનપત્ર પાઠવી આ બાબત ઉચ્ચકક્ષા સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ રજૂઆતને ઉચ્ચકક્ષાએ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા, પતંગોત્સવ, સદ્ભાવના ઉપવાસ સહિત અનેક કાર્યક્રમો વારંવાર એસટી બસો જે તે જિલ્લામાંથી મોટાપાયે ખેંચી લેવાથી પ્રજા પરેશાન થઈ રહી છે સાથે એસટી નિગમને પણ ભારે નાણાંકીય નુકસાન જાય છે. આ નાણાંકીય નુકસાની સરભર કરવા એસટી નિગમે ગુજરાતના સામાન્ય મુસાફરોના ભાડામાં કરાયેલો ભાવવધારો સંપૂર્ણ અન્યાયી હોવાની રાવ સાથે આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનમાં કોઈપણ સામાજિક કે ધાર્મિક પ્રસંગ એસટી બસો વ્યાજબી ભાડામાં ઉપલબ્ધ હતી.
આજે ભાજપના શાસનમાં આ સ્વપ્ન બની ગયું છે. એસટી નિગમની હાલત ભાજપ સરકારે કફોડી કરી નાંખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ૧થી ૩ ટકાનો વધારો એસટી નિગમે બસના ભાડામાં વધારો કર્યો હતો. બાદમાં ટોલટેક્સ પણ મુસાફરોના માથે નાંખી દીધો હતો. જેના પગલે કોંગ્રેસે તેનો વિરોધ કરી આ ભાવવધારો પાછો ખેંચવા ડેપો મેનેજર ગીતેને આવેદનપત્ર પાઠવ્યું હતું.