વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને વસતિ ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષણિક કાર્યને અસર પહોંચી રહી છે. કામગીરી પૂર્ણ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોને એક કલાકની છુટ આપતા પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર પડવાની શક્યતા ઊભી થઇ છે.
સમગ્ર રાજ્યમાં ૧૬ જાન્યુઆરીથી આર્થિક,સામાજિક અને જાતિ આધારિત વસતિ ગણતરીની કામગીરી ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં પણ વસતિ ગણતરીનો પ્રારંભ થયો હતો, પરંતુ સરકારી તંત્ર દ્વારા વસતિ ગણતરીની કામગીરી મોડી શરૂ થતા શિક્ષકોમાં નારાજગી ફેલાઇ છે. આગામી માર્ચ મહિનાની શરૂઆતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.
બીજીતરફ વસતિ ગણતરીની કામગીરી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવી અશક્ય બની છે. જેને લઇ મોટાભાગના શિક્ષકો વિરોધ કરી રહયા છે.વસતિ ગણતરીની કામગીરી કારણે હાલ શાળાઓમાં શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર થઇ રહી છે.જિલ્લા શિક્ષણાધિકારીએ વસતિ ગણતરીની કામગીરી કરવા માટે શૈક્ષણિક કાર્ય દરમિયાન એક કલાકની શિક્ષકોને છુટ આપી છે.આમ જિલ્લાની શાળાઓમાં શિક્ષકો વસતિ ગણતરીની કામગીરીમાં જોતરાતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડી રહયું છે.
૫૦ ટકા કામગીરી બાકી
વાપી પાલિકા વિસ્તારમાં ડેટા ઓપરેટરોની નિમણુંક ન થતાં ૧૭ દિવસ બાદ વસતિ ગણતરીની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.પ્રારંભિક તબકકે કામગીરી અટાવાઇ હતી.જેના કારણે શિક્ષકોએ પાલિકામાં રજુઆત કરી હતી.હાલમાં વસતિની ગણતરીની માત્ર ૫૦ ટકા કરતા ઓછી કામગીરી થઇ છે.જેથી શિક્ષકોએ આ કામગીરી કરતા હજુ ઘણા દિવસો પસાર કરવા પડેશે.
૨૮ ફેબ્રુઆરીએ નિર્ણય લેવાશે
વસતિ ગણતરીની કામગીરી શિક્ષકો કરી રહયા છે,પરંતુ બોર્ડની પરીક્ષાને કારણે ૨૮ ફેબ્રુઆરી પછી કામગીરી કરવી અશક્ય છે.જેથી ૨૮ ફેબ્રુઆરીએ કેટલી કામગીરી બાકી રહે છે તે જોઇને યોગ્ય નિર્ણય લેવાશે.અગાઉ આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરાઇ હતી. નટવરલાલ પટેલ,આચાર્ય સંઘના પ્રમુખ,વલસાડ