ઝઘડિયાના આમોદ ગામે જમીનમાંથી પાણી ઝરતા લોકોના હાલ બેહાલ
ઝઘડિયા તાલુકાના આમોદ ગામે બુધવારે ગામમાં દોડી આવેલા જીએમડીસીના અધિકારીઓને ગ્રામજનોએ ઘેરી લઈ ઉગ્ર રજુઆતો કરી હતી. સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભોજન આપવાની જીએમડીસીના પ્રસ્તાવને પણ ગ્રામજનોએ ઠુકરાવી દીધી હતી.
ઝઘડિયા તાલુકાના આમોદ ગામમાંથી લગિjાઈટ કોલસો મળી આવતા જીએમડીસીએ ગામનું અન્ય સ્થળે સ્થળાંતર કર્યું હતું. ૩૦૦ થી વધુ ગ્રામજનોને ખાણથી નજીવા અંતરે જમીન ફાળવી આપી હતી. જેના ઉપર ગામલોકોએ વસવાટ શરૂ કર્યો હતો. ગામની જમીનમાંથી પાણી ઝરતું હોવાથી બારેમાસ ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. લોકો જમીન ઉપર સુઈ શકતા નથી. તો મહિલાઓ રસોઈ બનાવવા ચુલો સળગાવી શકતી નથી.
ગામલોકોની દયનીય સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કરે પ્રથમ પૃષ્ઠ ઉપર અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેના કારણે બુધવારે જીએમડીસીના અધિકારીઓ આમોદ દોડી આવ્યા હતાં. જીએમડીસીના અધિકારીઓને જોઈ ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે અધિકારીઓનો ઘેરાવો ઘાલી ઉગ્ર રજુઆત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. લોક મિજાજ પારખી ગયેલા અધિકારીઓએ ગામ છોડી જવાનું મુનાસીબ સમજ્યું હતું.
ગામના કાંતીભાઈએ જણાવ્યું કે જીએમડીસીના અધિકારીઓએ ગામના પાંચ આગેવાનોને બેઠક કરવા માટે બોલાવ્યા હતાં. અમે પાંચ સાત આગેવાનો નહીં પરંતુ આખુ ગામ આવીશું અને ત્યારબાદ જ બેઠક યોજાશે.
ભોજનના પ્રસ્તાવને ઠુકરાવતી મહિલાઓ
આમોદ ગામે દોડી આવેલા જીએમડીસીના અધિકારીઓ ઉપર મહિલાઓનો રોષ વરસ્યો હતો. ઘરોમાં પાણી હોવાના કારણે રસોઈ થઈ શકતી ન હોવાથી બાળકોને શાળાએ ભુંખ્યા જવું પડે છે. પરિવાર માટે ભોજન બનાવવું હોય તો તગારામાં ચુલો સળગાવવો પડે છે.
દયનીય સ્થિતિમાં રહેલી મહિલાઓને જીએમડીસીના અધિકારીઓએ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભોજન પૂરૂ પાડવાનો પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ તેને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો.