ભરૂચ શહેરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન તથા કચરો ઉપાડવા માટે ખાનગી કંપનીને કામગીરી સોંપવાના વિરોધમાં બુધવારે રોજમદાર કામદારોએ પાલિકા કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.
ભરૂચ નગર સેવાસદને શહેરમાંથી ડોર ટુ ડોર કચરાના કલેક્શન તથા કચરો ઉપાડી તેનો ડમ્પીંગ સાઇટમાં નિકાલ કરવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. શ્રમિક કામદાર કલ્યાણ સંઘ કોન્ટ્રાકટ પ્રથા સામે વિરોધ નોંધાવ્યો છે. સંઘના પ્રમુખ દિનેશ સોલંકીએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નગર સેવાસદનના ૭પ૦ જેટલા રોજમદાર કામદારોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભો થશે.
પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા મુખ્ય અધિકારી પ્રશાંત પરીખ અગાઉ કોઇપણ રોજમદારને નોકરીમાંથી છુટો નહી કરવામાં આવે તેવી ખાતરી આપી ચુક્યાં છે. શહેરીજનોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું કે, ભરૂચ શહેરનો વિકાસ થતા રહેણાંક મકાનોની સંખ્યા ઝડપીથી વધી રહી છે.
આવા સંજોગોમાં સફાઇ કામગીરી બાદ કચરાના ઢગલા ખડકાય છે. જેને ઉપાડવાની કાર્યવાહી ઝડપી શક્ય બનતી ન હોવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાય છે. જો ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવે તો ડોર ટુ ડોર કચરાનું કલેક્શન ઝડપી બનશે તેમજ કચરાના નિકાલની કાર્યવાહીને વેગ મળશે.