રાજ્ય સરકાર વિરુદ્ધના ૬થી વધુ ઠરાવ જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પસાર
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની બુધવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રાજ્યની ભાજપ સરકારની વિરુદ્ધમાં ૬થી વધારે ઠરાવો પસાર કરી આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં સીંગતેલના ભડકે બળી રહેલાં ભાવો, ખેડૂતોને સિંચાઇ માટે મળતી અપૂરતી વીજળી, એસટી બસોના ભાડામાં થયેલાં વધારો, ઘર વપરાશના વીજ દરોમાં વધારો, ખેડૂતોની ફળદ્રુપ જમીનના સંપાદનના બદલામાં અયોગ્ય વળતર તથા સ્થાનિક યુવાનોને ઉદ્યોગોમાં નોકરી નહિ અપાતી હોવાના મુદાઓને લઇ કોંગ્રેસની કારોબારી સમિતિમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ભરૂચ ખાતે મળેલી કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સંગઠન તથા પક્ષને મજબુત બનાવવા તમામ હોદ્દેદારોને ગામડાંઓની મુલાકાત લઇ અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી. પૂર્વ ધારાસભ્ય મહંમદ ફાંસીવાલાએ નવા સંગઠનોમાં યુવા ચહેરાઓના સમન્વયને આવકાર્યો હતો. ધારાસભ્ય ઈકબાલ પટેલે ગુજરાત સરકારની નીતિથી પ્રજા કંટાળી ગઇ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજેતા બનાવવા હાકલ કરી હતી.
કારોબારી બેઠકમાં મહેન્દ્ર પટેલ, કિરણ મકવાણા, કાશ્મીરા શાહ, ફિરદોશ મન્સુરી, નાઝુ ફડવાલા, જહાંગીરખા પઠાણ, સુનિલ પટેલ, યુનુસ પટેલ, સંદીપ માંગરોલા, અંબુ મહિડા, અઝીઝ ટંકારવી, અરવિંદ દોરાવાલા, ધર્મેન્દ્રસિંહ મહિડા, ગંભીરસિંહ પરમાર, જયકાંત પટેલ, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને નવા વરાયેલાં હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલાં સભ્યો હાજર રહયાં હતાં.