ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા આરોગ્ય સેવાના ફલકનો વિસ્તાર
ચાર ગામોમાં સફળતા મળતા આ પ્રોજેક્ટનું બીજા ગામોમાં વિસ્તૃતિકરણ કરાશે
ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટ છેલ્લા ૧૭વર્ષથી આરોગ્યલક્ષી અને ગ્રામીણ વિકાસના કાર્યક્રમોના અમલથી ગ્રામસેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અશ્વિનભાઈ શાહ અને તેમની ટીમે લોકચાહના મેળવી છે. બીપીએલ ગરીબી રેખાની નીચેના સમાજના આદિવાસી વૃદ્ધો, વિકલાંગો, વિધવા બહેનો, માતૃત્વ ધારણ કરનાર બહેનો વગેરેને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળે તે માટે સહાયરૂપ થવા ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા ચીખલી અને ગણદેવીના બે-બે મળી ચાર ગામોમાં વિદેશના યુએનએફપીએના સહાયથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો એક સમારંભ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં, ચીખલીના મામલતદાર ભગતના મુખ્ય મહેમાનપદે અને ૯૦ વર્ષીય સ્વાતંત્રયસેનાની નારણભાઈ રાઠોડ તથા નેધરલેન્ડના સોશ્યલ સાયન્ટીસ્ટ ડૉ. બ્રેમનના અતિથિવિશેષપદે યોજાયો હતો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અશ્વિનભાઈ શાહે મહેમાનોનો પરિચય કરાવી તેમનું અભિવાદન કરી સૌને આવકારતા પ્રોજેક્ટ અંગેની ઝાંખી કરાવી હતી. ડૉ. જાન બ્રેમેને મહાત્મા ગાંધીજીના અંત્યોદયના સિદ્ધાંતનું સ્મરણ કરાવી ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધો, વિકલાંગો અને વિધવા બહેનોને પ્રથમ છેવાડાના માનવી ગણાવ્યા હતા અને તેઓ સમાજમાં ઉન્નતભેર જીવન જીવી શકે તે માટે તેમને મદદરૂપ થવાની સૌની ફરજ છે તેમ જણાવી ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા છેવાડેના માનવીઓના આરોગ્ય અને ગ્રામીણ વિકાસની જે પ્રવૃત્તિઓ થાય છે તેને બિરદાવી હતી. ચાર ગામોમાં સફળતા મળતા આ પ્રોજેક્ટનું બીજા ગામોમાં વિસ્તૃતિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
સ્વાતંત્રયસેનાની નારણભાઈ રાઠોડે ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અશ્વિન શાહ જેવા જે કાર્ય કરી રહ્યા છે તેમને બિરદાવ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી સુરેન્દ્રભાઈ પટેલે પણ ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલની પ્રવૃત્તિઓને બિરદાવી નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છે તેમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ડૉ. હષૉબેન શાહે સંસ્થાની ગ્રામીણ વિકાસ યોજનાની પ્રવૃત્તિઓની વિગતવાર છણાવટ કરી હતી. ડૉ. શર્મિષ્ઠાબેન પાટીલે અમલમાં મુકાનાર પ્રોજેક્ટ અંગે વિગતે વાતો કરી હતી. ડૉ. મજીગાંવકરે સરકારની આરોગ્યલક્ષી વિવિધ સહાય યોજનાની વિગતો આપી હતી.
આ પ્રોજેક્ટમાં પ્રાથમિક ધોરણે ગામવાસીઓને મહત્તમ પાયાની સેવાઓ પુરી પાડવામાં આવશે.