અંકલેશ્વરમાં- પાનોલી વિસ્તારમાં આવેલી કંપનીમાં કેફી દ્રવ્ય બનાવવાના ગુનામાં વર્ષ ૨૦૧૦માં નાકોર્ટિક કંટ્રોલ બ્યુરોના હાથે ઝડપાયેલો આરોપી ભરૂચ ખાનગી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પાનોલી જીઆઇડીસી ખાતે આવેલી એક કંપનીમાં કેફી દ્રવ્ય બનાવાતો હોવાની બાતમીના આધારે વર્ષ ૨૦૧૦માં નાકોર્ટિકસ કંટ્રોલ બ્યુરોએ કંપનીમાં છાપો મારી મુળ મુંબઇના વસઇ ખાતે રહેતાં ફૈયાઝ અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ભરૂચ સબ જેલમાં ધકેલી દેવાયો હતો. અરસામાં ફૈયાઝ શેખ બિમારીમાં સપડાંતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાપ્તા હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
સારવારમાં તેનો ઇકો ટેસ્ટ કરવાની ફરજ પડતાં જાપ્તાના પોલીસ કોન્સ્ટેબલ સોમાભાઇ રામોલભાઇ તેને પાંચબત્તી પાસે આવેલી બરોડા હાર્ટ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે ફૈયાઝ શેખની હાથકડી ખોલતાં જ ફૈયાઝે તક મળતાં જાપ્તાના પોલીસ કર્મીને ધક્કો મારી બંદુકમાંથી છુટેલી ગોળીની જેમ ત્યાંથી નાસી ગયો હતો.
જોતજોતાં તે આંખોથી ઓઝલ થઇ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી. બનાવના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે જાપ્તાના મુખ્ય અધિકારી એએસઆઇ કે. એલ. વસાવાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી ફૈયાઝ શેખ અને પોલીસ કોન્સ્ટેબલ સોમાભાઇને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.