મકરસંક્રાંતિના દિવસો અગાઉ પંતગ અને દોરાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે આ વખતે મકરસંક્રાંતિ મોંઘી પુરવાર થઈ શકે છે, કારણ કે પતંગ અને દોરા બંનેની કિંમતમાં ખાસ્સો એવો વધારો થયો છે. દોરાની તમામ કવોલિટીમાં ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે જ્યારે પતંગની કિંમતમાં પણ ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે.
દોરાના વેપારીઓ જણાવે છે કે દોરા કોટનમાંથી બને છે અને આ વર્ષે કોટનના ભાવ ભડકે બળી રહ્યાં હોવાથી દોરાની કિંમતમાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. કોટનની કિંમતમાં એટલો વધારો થયો છે કે કેન્દ્ર સરકારે કોટન યાર્નના નિકાસ પર અંકુશ મૂકવાની ફરજ પડી હતી. દોરાની કિંમત વધી છે પણ વેપારીઓને વિશ્વાસ છે કે ઉત્સવપ્રિય શહેરવાસીઓ તેમના ઉત્સાહ પર પાણી નહીં ફેરવે.
આ બાજુ પંતગની કિંમતમાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. એની પાછળનું કારણ એ છે કે કાગળ અને કામળી જેવા રો-મટીરિયલ્સના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. સરકારે વાંસને કાપવા પર નિયંત્રણો લાદતાં વાંસની અછત ઊભી થઈ છે. પતંગની કામળી વાંસમાંથી જ બને છે.
બીજી તરફ વિદેશોમાં પણ વાંસની સારી એવી ડિમાન્ડ હોવાથી મોટાભાગના વાંસની નિકાસ કરવામાં આવે છે. ભાવ વધારા માટે પતંગ અને દોરીના ઉદ્યોગમાં કામદારોની અછત પણ જવાબદાર છે. આ ઉદ્યોગમાં કામ કરતાં કામદારોને અન્ય ઉદ્યોગોમાં વધુ વેતન મળતાં તેઓ બીજા વ્યવસાયમાં જતા રહ્યાં છે.
જેના કારણે પતંગ અને દોરીના ઉદ્યોગકારોએ કામદારોને વધારે વેતન આપીને રોકી રાખવા પડે છે. કામદારોની અછતને લીધે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.