છેલ્લાં નવ મહિનામાં પ્લાસ્ટિકની બેગ ખાવાના કારણે ૫૫૦ ગાય મોતને ભેટી છે, હકીકત એ છે કે શહેરના દુકાનદારો દ્વારા ખાદ્યચીજવસ્તુઓથી માંડીને દવાઓનું પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓમાં પેકિંગ કરવામાં આવે છે, આ પ્લાસ્ટિકની બેગ શહેરની ઠેરઠેર કચરાપેટીઓ તેમ જ ભટાર અને ખજોદસ્થિત ડિસ્પોઝેબલ સાઇટ ખાતે ફેંકાય છે અને ત્યાંથી ગાયના પેટમાં જાય છે, જાણકારો કહે છે કે હવે ગૌમાતાને બચાવવા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ગુટખા અને પાન મસાલા પ્લાસ્ટિકના પાઉચમાં વેચવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જોકે આ બાજુ શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓથી માંડીને દવાઓ સુધીની તમામ વસ્તુઓ પ્લાસ્ટિકની બેગમાં જ આપવામાં આવે છે.
પરિસ્થિતિ એ છે કે પ્લાસ્ટિકની કોથળીઓના મોટા પાયે ઉપયોગના કારણે ગાયો મોતને ભેટી રહી છે. ઘોડદોડ રોડસ્થિત નંદિની હોસ્પિટલના તજજ્ઞોએ કહ્યું હતું કે ગાયોના પેટમાંથી સરેરાશ ૨૫થી ૪૦ કિલો પ્લાસ્ટિક નીકળે છે. રોજ પ્લાસ્ટિકને કારણે બે ગાય મરે છે
આ વર્ષે ૮૫ ગાય પર ઓપરેશન કરાયું
‘ગાયોના મોત માટે પ્લાસ્ટિક જવાબદાર છે. ગાયોને બચાવવી હોય તો પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ જરૂરી છે. અમારી સંસ્થા દ્વારા આ વર્ષે ૮૫ ગાયો પર ઓપરેશન કરીને સેંકડો કિલો પ્લાસ્ટિક ગાયોના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકનો મોટા પાયે ઉપયોગ થાય છે જે સરવાળે ગાય માટે ઘાતક પુરવાર થાય છે.’
- ડૉ.સુભાષ દેસાઈ, ચીફ વેટરનરી
સર્જન, નંદિની હોસ્પિટલ
પેકિંગ માટે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ અપનાવો
‘સુરત મહાનગરપાલિકાએ પેકિંગ માટે ડિસ્પોઝેબલ થેલીઓ ઉપયોગમાં લેવા દુકાનદારોને સમજાવવા જોઇએ. અમે હિમાચલ પ્રદેશથી ડિસ્પોઝેબલ થેલીનું સેમ્પલ લઈ આવ્યા છીએ. આ થેલી ઇકોફ્રેન્ડલી છે અને અહીં અમે બે રૂપિયામાં એનું વેચાણ કરીએ છીએ. લોકોએ પણ પ્લાસ્ટિકની બેગનો વપરાશ ન કરીને ગૌમાતાને બચાવવી જોઇએ.’
- સ્નેહલ પટેલ, નેચર ક્લબ
પ્લાસ્ટિક રૂપી જીવલેણ ચારો
પર્યાવરણવાદીઓ પેકિંગ માટે ઇકોફ્રેન્ડલી બેગ્સનો ઉપયોગ કરવા પર ભાર મૂકી રહ્યાં છે
શહેરમાં પ્લાસ્ટિક થેલીનો બેરોકટોક ઉપયોગ
૨૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ હોવા છતાં શહેરભરની તમામ શાક માર્કેટોમાં સ્વાસ્થ્ય માટે જોખમકારક કોથળીઓનો સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. શાકભાજીવાળા, બેકરીવાળા, ફરસાણવાળા સહિતની દુકાનોના વેપારીઓ સસ્તી પડતી આવી ઝભલા થેલીઓનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યાં છે. આવી પ્લાસ્ટિકની થેલીઓ લોકોના ઘર સુધી પહોંચી જાય છે. સૌથી ગંભીર બાબત એ ધ્યાને આવી છે કે, ઘરોમાંથી આવી કોથળીઓ કચરાવાટે ડોર ટુ ડોર ગાબેgજ કલેક્શન દ્વારા કે કચરાપેટીઓથી ડિસ્પોઝેબલ સાઈટ પર પહોંચે છે ત્યાં વિચરતી ફરતી ગાય આ જીવલેણ ચારો ખાય છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિક ગાયના મોતનું કારણ
એંઠવાડ સાથે પ્લાસ્ટિક ચરતી ગાયો આખરે મોતને ભેટતી હોવાના સંખ્યાબંધ બનાવો સમાજ સામે છે. ભટાર-અલથાણસ્થિત ડિસ્પોઝેબલ સાઈટો પર ડીબીગોલ્ડને આવું જ વરવું ર્દશ્ય જોવા મળ્યું હતું. ભટાર ડિસ્પોઝેબલ સાઈટ પાસે આવેલા ગોવિંદ નગર ગૌપાલકોની વસાહતોમાં પાંચથી સાત હજાર જેટલી ગાયો ઉછેરવામાં આવે છે. આ તમામ ગાયો નજીકની જ ડિસ્પોઝેબલ સાઈટો પર ચરવા આવે છે અને ત્યાં એંઠવાડ સાથે પ્લાસ્ટિકનો કુડો-કચરો આરોગે છે.
ગાયના મોતની સંખ્યા વધી
ઘોડદોડ રોડસ્થિત ગાયો માટેની હોસ્પિટલ ‘નંદિની’ ખાતે આ વર્ષે અત્યાર સુધીમાં ૮૫ ઓપરેશન કરીને ગાયોના પેટમાંથી પ્લાસ્ટિક સહીતનો કચરો કાઢવામાં આવ્યો હતો. ત્યાંના તબીબો પણ ગાયોના મોત માટે પ્લાસ્ટિકની કોથળીઓ જ મોટાભાગે કારણભુત હોવાનું માની રહ્યાં છે. નંદિની હોસ્પિટલના ચીફ વેટરનરી સર્જન ડૉ. સુભાષ દેસાઈએ પ્લાસ્ટિકની કોથળીનો શહેરમાંથી સમુળગો નાશ કરી પ્લાસ્ટિકના દૂષણને જળમુળમાંથી પાલિકાએ ઉખાડી ફેંકવું જોઈએ તેમ જણાવે છે. જ્યારે ગાયોના વધી રહેલાં મોતના આંકડા પણ ચિંતાજનક છે.
મૃત પશુઓના નિકાલ કરનાર પાલિકાના કોન્ટ્રાક્ટર જીવન સોંદરવા કહે છે કે ‘લોકોની જાગૃતિના અભાવે પ્લાસ્ટિકમાં ખાદ્યપદાર્થો અપાય છે અને ગાયમાતા અન્નસાથે પ્લાસ્ટિક પણ આરોગી જાય છે. જેનો હોજરીમાં ભરાવો થતાં હોજરી ફાટી જતાં આખરે મોતને ભેટે છે. તેમના અંદાજ પ્રમાણે દૈનિક ત્રણથી ચાર ગાયો મરણ પામે છે જેમાં, બે ગાયો પ્લાસ્ટિકના દૂષણથી મોતને ભેટે છે. આ આંકડા પ્રમાણે ચાલુ વર્ષના નવ માસમાં જ શહેરભરમાં તથા છેવાડાના વિસ્તારોમાંથી ૫૫૦ જેટલી ગાયો મરણને શરણ થઈ હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.’
આરોગ્ય ખાતુ ભ્રષ્ટ
‘પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવા કઈ રીતે પરમીશન આપી દેવાય છે તે મોટો પ્રશ્ન છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓનું ઉત્પાદન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને નાના લોકોને હેરાન કરાય છે. પાલિકાની પ્લાસ્ટિક મુક્ત શહેરની ઝૂંબેશ નાટક સિવાય કશું જ નથી. આ પ્લાસ્ટિક ગૌમાતાના પેટમાં જવાથી ઈન્ફેકશનથી મોતને ભેટી રહી છે. આરોગ્ય ખાતાએ ભ્રષ્ટાચારમાંથી બહાર આવી જાગૃતિનું કામ કરવું જોઈએ.’
-શૈલેષ શાહ, ગૌરક્ષા સમિતિ
રોજ બે ગાય ભોગ બને છે
‘દૈનિક ત્રણથી ચાર ગાય મોતને ભેટી રહી છે. તે પૈકી બે ગાયના પેટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે. આ પ્લાસ્ટિક ખાવાથી ગાયો મોતને ભેટે છે તે સૌ કોઈ જાણે છે છતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર અંકુશ આવી શક્યો નથી. હવે આવતાં મહિને ઉત્તરાયણનું પર્વ પણ આવે છે માટે લોકોમાં પણ જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. આપણે ગાયોને માતા તરીકે પૂજીએ છીએ ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે તેને બચાવીએ.’
-જીવન સોંદરવા, મૃત જાનવર નિકાલના કોન્ટ્રાક્ટર