અપીલનો તાત્કાલિક નિકાલ ન આવે તો કોર્ટમાં જવાની નાગરિકની ચીમકી
પારડી પાલિકાના ૧૩ બાગી સભ્યોને ગેરલાયક ઠેરવવા સ્થાનિક રહીશે નામોદિષ્ઠ અધિકારીને અપીલ કરતા રાજકીય માહોલમાં ભારે ચહલપહલ સર્જાઇ છે. પ્રમુખપદના મુદ્દે ચાલતા વિવાદનો અંત આવ્યા બાદ બાગી સભ્યોનું સભ્યપદ રદ કરવા રજૂઆત થતા પાલિકામાં વધુ એક વિવાદ વકર્યો છે.
પારડી પાલિકામાં ગત અઠવાડિયે પાલિકા પ્રમુખ હરીશ પટેલની બિનહરીફ વરણી થતા છેલ્લા ઘણાં સમયથી પ્રમુખપદના મુદ્દે વિવાદનો અંત આવ્યો હતો, પરંતુ મંગળવારે પારડીના સ્થાનિક રહીશ અબ્દુલ હફીઝે પાલિકાના ૧૩ બાગી સભ્યોને ગેરલાયક ઠેરવવા પક્ષાંતર ધારા હેઠળ નામોદિષ્ઠ અધિકારી અને સચિવ ભાગ્યેશ ઝાને અપીલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પારડી પાલિકાના ચૂંટાયેલો સભ્ય રાજન ભટ્ટે તા.૧૮ નવેમ્બર ૨૦૧૦ના પાલિકાના ૧૩ બાગી સભ્યોને ગેરલાયક ઠેરવવા અપીલ કરી સભ્યપદ રદ કરવા જણાવ્યું હતું. આ અપીલને ૪ માસ ઉપરાંતનો સમય વિતી ચૂકયો છે.
અરજદારની અરજીનો ૯૦ દિવસમાં નિકાલ ન થતા જોગવાઇનો ભંગ થઇ રહેલ છે. પક્ષાંતરધારો ૧૯૮૬માં એવી કોઇ કાયદાકીય જોગવાઇ નથી કે અરજદાર તેની અરજી પાછી ખેંચી શકે કોઇ પણ પક્ષના આદેશથી પણ તેવી કાર્યવાહી બંધ થતી નથી. જો આ પ્રમાણે થતું હોય તો તેવી જોગવાઇઓ ગેરબંધારણીય છે. જેથી પાલિકાના ૧૩ બાગી સભ્યોનું સભ્યપદ રદ કરવા માગ કરી હતી. અપીલનો નિકાલ ન આવે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી હતી.