વિક્રમ સંવતના નવા વર્ષના આરંભ બાદ નવેમ્બરમાં ૮ અને ડિસેમ્બરમાં બે મુહૂર્ત
દિવાળીના મહાપર્વ બાદ દેવદિવાળીની ઉજવણી થયા પછી શિયાળુ લગ્નોત્સવની સિઝન જામતી હોય છે. જેમાં કારતક અને માગશર માસમાં તો લગ્નની સિઝન પૂરબહારમાં ખિલેલી હોય છે. પણ આ વર્ષે દેવદિવાળીથી છેક મકરસંક્રાંતિ સુધીનાં બે મહિનાના સમયગાળામાં લગ્ન માટેના માત્ર ૧૦ જ મુહૂર્ત શુભ ગણી શકાય તેવા છે. નવેમ્બર માસમાં લગ્નનાં ૮ અને ડિસેમ્બર માસમાં તો તો માત્ર બે જ મુહૂર્ત લગ્ન માટે શુભ છે.
જયોતિષાચાર્ય ડૉ. મહેશભાઇ દશોરાના જણાવ્યા પ્રમાણે, વિક્રમ સંવત ૨૦૬૮ શરૂ થયા બાદ છઢ્ઢી નવેમ્બરે દેવદેદિવાળી છે. આ વખતે શિયાળુ લગ્નોત્સવની સિઝન ૧૮મી નવેમ્બરથી શરૂ થશે. જેમાં તા. ૧૮, ૨૦, ૨૧ અને ૨૨ નવેમ્બર અને તા. ૨૭ થી ૩૦મી નવેમ્બર બન્ને ચાર-ચાર શુભ મુહૂર્ત મળી નવેમ્બરમાં કુલ આઠ શુભ મુહૂર્ત છે. ત્યારબાદ ડિસેમ્બર માસ આવશે. તેમાં માત્ર તા. ૧ અને તા. ૬ ડિસેમ્બર, બે જ મુહૂર્ત લગ્ન માટેના છે. તા. ૧૬મી ડીસેમ્બરથી ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૨ સુધી કમૂર્હૂતા રહેશે. ૧૪ જાન્યુ. ૨૦૧૨ બાદ શિયાળુ લગ્ન સિઝનનો બીજો તબકકો શરૂ થશે.