ગણદેવી તાલુકાના સોનવાડી ગામ ખાતે પીપળા ફિળયા ખાતે આવેલી અમ્રતભાઈ મોહનભાઈ પટેલના મકાનનો પાછળનો ભાગ વરસાદમાં કડાકા સાથે તૂટી પડ્યો હતો. ગત સોમવારે સવારથી વરસાદ અને પવનના સુસવાટા ચાલુ હતા ત્યારે અચાનક મકાનના સ્લેબનો ભાગ તૂટી પડતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સોનવાડી ગામે રહેતા અમ્રતભાઈ મોહનભાઈ પટેલ પીપળા ફિળયા ખાતે રહે છે. આ ગરીબ પરિવારના મકાનનો ભાગ તૂટી પડતા મુશ્કેલીમાં આવી પડ્યું હતું. ગત સોમવારે સવારે પવન સાથે વરસાદ પડતા રસોડાના ભાગમાં આવેલ લાકડાના દાંડા તૂટી જતા કડાકા સાથે નિળયા સહિતનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. સદ્નસીબે આ સમયે ત્યાં પરિવારનો કોઈ સદસ્ય હતો નહીં જેથી કોઈને ઈજા થઈ નથી.
બનાવની જાણ થતા ફિળયાના રહીશો ત્યાં દોડી ગયા હતા અને ગરીબ પરિવારજનો ઉપર આવી પડેલી મુશ્કેલી માટે સાંત્વના આપી હતી. બનાવની જાણ ગ્રામપંચાયત ખાતે કરતા તલાટીએ કાયદેસરની કાર્યવાહી કરી જરૂરી રિપોર્ટ તૈયાર કરી તાલુકા પંચાયતને મોકલી આપ્યો હતો. સરકારી ધારાધોરણ મુજબ આ પરિવારને સહાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ વર્ષે પવન સાથે ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં ઘણા ગામોમાં મકાન તૂટવાના બનાવ્યો બન્યા છે.