ધૂળવાળી રેતીનો બેફામ ઉપયોગ તથા ગોબાચારીની બૂમરાણ બાદ પણ પાલિકાતંત્રના પેટનું પાણી હાલ્યું નથી
ધરમપુરની ભાજપ શાસિત પાલિકા દ્વારા નિર્માણધિન પ્રોજેક્ટ હેઠળ તળાવના કામમાં ધૂળવાળી રેતીનો બેફામ ઉપયોગ, સુપરવિઝન તેમજ યોજનાની વિગત દર્શાવતા પાટીયાના અભાવની ઉઠેલી બૂમરાણ બાદ પણ તંત્રના પેટનું પાણી હાલ્યું નથી. અધિકારીઓની લાપરવાહી વચ્ચે પણ કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપભેર તળાવની કામગીરી આગળ ધપાવાઈ રહી છે.
ધરમપુરમાં સ્વર્ગવાહિની નદીના કાંઠે R ર.૩૮ કરોડની માતબર રકમના ખર્ચે શહેરની શોભામાં અભિવૃિધ્ધ અર્થે સુશોભિત તળાવ નિર્માણની કામગીરી આરંભાઈ છે. પાલિકાના શાસકપક્ષના જ ડ્રેનેજ સમિતિના ચેરમેન વિકાસ જાદવે આ કામગીરીમાં ધૂળવાળી રેતીનો ઉપયોગ થઇ રહ્યાની બૂમરાણ મચાવી દીધી હતી. જાદવના જણાવ્યા મુજબ નિર્માણધિન તળાવની પાળના પાયામાં પીળી ચામડીના પત્થરોનો વપરાશ થયો છે.
આ પ્રકારના પત્થરો ઉપર સિમેન્ટનો કોલ બરાબર ચોંટતો નથી, જેના કારણે પાયાનું કામ નબળંુ સાબિત થશે. જો કે આ બૂમરાણ વચ્ચે રેતી અને પત્થરોની કવોલિટી બદલી નાંખી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું છે. ધૂળવાળી રેતી અને પીળા પત્થરોના વપરાશને ધ્યાનમાં લેતા અત્યાર સુધી આશરે પચ્ચીસ ટકા જેટલી પાયાના ભાગની થયેલી કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે.
પ્રોજેક્ટની દેખરેખ માટે પાલિકાના હાઇડ્રોલીક ઇજનેર જગદીશ વણકર પણ આ બૂમરાણ બાદ ફકત પાંચ મિનીટ પૂરતું પ્રોજેક્ટ ઉપર ડોકીયું તાણી કંઇક કર્યાનો સંતોષ વ્યક્ત કરી, હોતા હે ચલતા હૈ, ની નિતીના રવાડે ચાલી રહયા છે. અગાઉ મળેલી પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના બાંધકામ સમિતિના ચેરમેન રમેશ અટારાએ યોજના અંગેની માહિતી આપતું બોર્ડ મૂકાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ઘોળીને પી જઇ આ મહત્વકાંક્ષી યોજનાના નકશા સાથેની વિગત દર્શાવતું બોર્ડ લગાડવાનો અમલ કરાવવા સામે ચીફ ઓફીસર દર્પણ ઓઝા પણ અખાડા કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. આ તળાવનું કામ ટેન્ડર મુજબ જ ચાલતું હોવાની વાતો કરી શંકાના દાયરામાં આવી પડેલા સીઓ ઓઝા આટલી બધી બૂમરાણ બાદ ત્રણ ચાર દિવસો વિત્યા છતાં પણ હજુ સુધી પ્રોજેક્ટ ઉપર માહિતી દર્શાવતું બોર્ડ ન મૂકાવી શકતા તેમની કામગીરી સામે મસમોટો સવાલ ખડો થયો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા વપરાતું હલકું રો-મટિરિયલ તથા ઇજનેરની લાપરવાહી અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી કે કેમ એ બાબતે ચીફ ઓફીસર દર્પણ ઓઝાને પૂછતા તેમણે પોતે વધુ કામમાં હોવાનું જણાવી એકજ લીટીમાં જવાબ આપીશ, એમ કહી જણાવ્યું હતું કે, હજુ સુધી એવી કોઇ વિગત મારી ધ્યાનમાં આવી નથી. જ્યારે શાસક પક્ષના જ જવાબદાર બન્ને ચેરમેને સામાન્ય સભામાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચાલતી ગોબાચારીના મુદ્દે રજૂઆત કરી હોય ત્યારે સીઓ નો ચાલાકીભર્યો જવાબ ઘણું બધુ કહી જાય છે.