જંબુસર શહેરમાં આવેલી ગોકળલાલાની ખડકી ખાતે ફટાકડા ફોડવાના મુદ્દે સાત શખ્સોએ બે વ્યક્તિઓ સાથે ઝઘડો કરી લોખંડની પાઈપ અને લાકડીઓના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની મળતી વિગત અનુસાર જંબુસર શહેરમાં ગોકળલાલાની ખડકીમાં રહેતાં ધીરેન અરવિંદભાઈ ડબગર પોતાની ખડકી પાસે રવિવારે ફટાકડાં ફોડી રહ્યો હતો. અરસામાં વિસ્તારમાં જ રહેતાં અને ગારમેન્ટની દુકાન ચલાવતા પપ્પુભાઈએ ત્યાં આવી પહોંચી તું અહીં ફટાકડા કેમ ફોડે છે તેમ કહેતાં તેમની વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું.
દરમિયાન મામલો બિચકતાં પપ્પુનું ઉપરાણું લઈ સલીમ તેમજ ઈમ્તિયાઝ નામના બે શખ્સો સહિત ૬ વ્યક્તિઓ લોખંડની પાઈપ અને લાકડીના સપાટા લઈ ત્યાં આવી પહોંચ્યાં હતાં.
વાત વણસતાં પપ્પુ અને તેના સાગરિતોએ આવેશમાં આવી જઈ હિરેન અને હેમંત નામના બે યુવાનો ઉપર હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. રાત્રિનાં સમયે બે કોમના લોકો સામસામે આવી જવાની સ્થિતિનું નિર્માણ થતાં વિસ્તારમાંની દુકાનોના માલિકોએ ટપોટપ શટર પાડી દીધા હતાં.
બનાવની જાણ થતાં જંબુસર પોલીસ મથકના કાફલાએ સત્વરે સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. રવિવારે આખી રાત વિસ્તારમાં કરફયુ જેવો માહોલ સજૉયો હતો. બનાવના પગલે જંબુસર પોલીસ મથકે ધીરેન ડબગરે ફરિયાદ નોંધાવતા પોલીસે પપ્પુભાઈ ગાર્મેન્ટવાલા, રિયાઝ અબ્દુલ રજજાક ઘાંચી, સલીમ અબ્દુલ રઝાક ઘાંચી સહિત ૬ વિરુદ્ધ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.