પંચમહાલના ખેડૂતો આનંદો: કડાણા ડેમનીસપાટી ૩૯૮ ફૂટ
પાનમ ડેમમાં ૧૧૮.૮૦ મીટર પાણી ઉપલબ્ધ
આગામી સમયમાં વરસાદ ખેંચાય તો પણ ખરીફ ઋતુને ઉપયોગી થશે
રાજ્યના અન્ય જિલ્લાઓના ડેમની ચિંતાજનક સ્થિતી સામે પંચમહાલ જિલ્લાના કડાણા ડેમ ૩૯૮.૧ ફૂટ એટલે ૯૪ ટકા પાણીના જથ્થાથી છલોછલ છે. જેનાથી ગત વર્ષ કરતા વિજ ઉત્પાદન કરવાની પુષ્કળ તક ઉભી થઇ છે. પાનમ ડેમ ૧૧૮.૮૦ મીટરની પાણી સપાટીથી વરસાદ ખેંચાય તો પણ ખરીફ ઋતુને ઉપયોગી થઇ શકે તેમ છે.
મંગળવારની રાત્રિએ પંચમહાલ જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતો સહિત પ્રજાને જીવમાં જીવ આવ્યો છે. હાલ વરસાદી માહોલના પ્રારંભે જિલ્લાના જળાશયોની સ્થિતી ભરપુર રહેવાની સાથે અનેકવિધ ઉપયોગી નિવડવાની ઉપલબ્ધ પાણીના જથ્થા આધારે આશા બંધાઇ છે.કડાણા જળાશયમાં ગત વર્ષ કરતા પાણીની સ્થિતી ભરપૂર રહેતા ખેડૂતો ડાંગરના ધરૂ અન્ય પાક પકવવામાં શક્યતા છે.
રાજ્યના અન્ય ડેમોમાં પાણીની નહિવત સપાટી છે. જેની સરખામણીમાં સૌથી વધારે પાણી કડાણા જળાશયમાં ૯૪ ટકા જળવાયેલુ છે. કડાણા હાઇડ્રોપ્રોજેક્ટમાંથી પણ ગત વર્ષની જેમ વિજ ઉત્પન્ન કરવાની વધુ તક મળે તેવી સંભાવના છે. બે વર્ષથી જળાશયમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ મહેસાણા સુધી પાણી પહોંચાડાય છે. હાલ મહિ નદી ઉપર જળાશયમાં ભારતના તમામ બંધો કરતા સૌથી વધુ પાણી સંગ્રહિત થયાનું અનુમાન છે.
ગત વર્ષે કડાણા ૩૭૮.૧ ફૂટ જેટલો ભરેલો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે ૩૯૮.૧ ફૂટ એટલે કે, ૯૪ ટકા જેટલો હયાત છે. જેથી પંચમહાલ જિલ્લામાં સિંચાઇમાં હાલ ડાંગરના પાકને પકવવામાં કોઇ મૂશ્કેલી આવે તેમ નથી.
બીજી બાજુ કડાણા હાઇડ્રોપ્રોજેક્ટ પણ વધુ વિજળી પેદા કરી શકે તેમ છે. હાલ હાઇડ્રોપ્રોજેક્ટના યુનિટો નંબર-૧ અને નંબર-૪ ચાલુ છે. જ્યારે નંબર-૨ અને નંબર-૩ સમારકામ હેઠળ હોવાથી જુલાઇના અંત સુધીમાં પૂર્ણ થાય તેમ છે. આ જોતા કડાણા હાઇડ્રોપ્રોજેક્ટમાં પણ વિજઉત્પાદન કરવાની સ્થિતીનું નિર્માણ થાય તેમ હોવાનું હાઇડ્રોપ્રોજેક્ટ કાર્યવાહક ઇજનેર આર.ડી.મકવાણાએ જણાવ્યુ હતુ.
જ્યારે બીજા નંબરનો પાનમ જળાશય પ ફૂટ જેટલો વધુ ખાલી થતા હાલ ૧૧૮.૮૦ મીટર જણાય છે. જેનાથી લુણાવાડા, શહેરા, ગોધરા, કાલોલ અને સાવલી તાલુકા સુધી સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે. અન્ય ખાનપુરના ભાદરડેમની સ્થિતી ગત વર્ષ જેટલી જ ૧૧૧.૩૩ મીટર રહી છે.






