સાગબારા તાલુકાના સેલંબા ગામે મકાનના બાંધકામ માટે જગ્યા ખાલી કરાવવા એક પરિવાર ઉપર ત્રાસ ગુજારવામાં આવતાં નર્મદા જિલ્લા તકેદારી અધિકારીને રજૂઆત કરાઇ હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસ ઢીલાશ દાખવતી હોવાના પણ આક્ષેપ થઇ રહ્યાં છે.
સાગબારનાં સેલંબા ગામે રહેતા ગોકળ હરીભાઇ બાગુલ ગામનાં એક ભાગમાં ૮ થી ૧૦ સભ્યોના પરિવાર સાથે રહે છે. સરકાર દ્વારા જાણી જોઇને અન્ય જગ્યા હોવા છતાં કેટલા જુથ યોજના હેઠળ તેમના પરિવારના ઘરનાં વાડાને અડીને મકાનો બાંધવાની જગ્યા ફાળવાય છે.
જમીન મેળવનારા પરિવારો હવે ગોકળભાઇ આ જગ્યાએથી ભાગી જાય જેવા હેતુથી તેના પર રોજ ત્રાસ ગુજારી મારી નાંખવાની અને ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. પોતાનાં જાન-માલનાં રક્ષણ માટે તેમણે સાગબારા, પોલીસ સ્ટેશનમાં કુલ દશ શખ્સો સામે લેખિત ફીરયાદ નોંધાવી હતી.
જેમાં રામા કોટવાલ, અશોક ઉર્ફે પાગા કોટવાલ, મયજી કોટવાલ, કમલા કોટવાલ, ગાજીયા કોટવાલ, ગામીયા કોટવાલ, પ્રતાપ કોટવાલ, ગુલાભાઇ કોટવાલ, રમેશ કોટવાલ, દાભુ કોટવાલનો સમાવેશ થાય છે.
ફરિયાદ કરવા છતાં સાગબારા પોલીસે કોઇ પગલા ન ભરતાં આ ઘરમાં આ પરિવારોથી જાન જવાની શક્યતાએ પરીવારે આ લોકો સામે જરૂરી પગલાં ભરી સજા કરવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટર, તકેદારી અધિકારી અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રક્ષણ માંગતા તકેદારી અધિકારી એ.બી.પરમારે તાત્કાલિક સાગબારા પોલીસને આ કેસની તપાસ કરવાનું જણાવતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
સામાજિક ન્યાય અધિકારીને જાણ કરાઇ
ગુજરાત સરકારના રમત ગમત અને સામાજીક ન્યાય અધિકારીના મંત્રી ફકીરભાઇ વાઘેલાને ગોકળભાઇએ લેખીત જાણ કરતા પરિવારનાં રક્ષણ માટે અને હક્ક માટેની જરૂરી તપાસ ફકીરભાઇ વાઘેલા એ પણ તે તરફ તંત્રનું ધ્યાન દોરતાં નર્મદા જિલ્લા તંત્રને આ પરિવારે હલાવી દીધું છે.