બારડોલી તાલુકાના બામલી ગામના વતની નયનાબેન પુત્રીના લગ્ન હોય જે.કે.ટાવરના પોતાના મકાનમાં રોકાયા હતા
નવસારીના કબીલપોરમાં જે.કે.ટાવરમાં રહેતા એનઆરઆઈ મહિલાને કેટલીક મહિલાઓએ ભેગી મળી ઘરના પાછળનો દરવાજો તોડી ગેરકાયદે ઘરમાં ઘૂસી જઈ તમાચા મારી બહાર કાઢી મુકવાની ફરિયાદ એનઆરઆઈ મહિલાએ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી ગ્રામ્ય પોલીસમાંથી મળતી માહિતી મુજબ સુરતના બારડોલી તાલુકાના બામલીગામના વતની અને એનઆરઆઈ નયનાબેન કનકભાઈ વ્યાસ હાલ તેમની દીકરીના લગ્નને કારણે વતન આવ્યા હતા. તેમને પોતાના પિયરના કબીલપોરના જે.કે. ટાવરમાં આવેલા મકાનમાં કોઈ રહેતું હોવાનું જાણ થતા જ અગાઉ તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે મકાનમાં ગેરકાયદે રહેનાર નિખિલ ટેલર નામનો શખ્સ પુન: તાળુ મારી પલાયન થઈ ગયો હતો.
દરમિયાન નયનાબેન કબીલપોર ખાતે આવી જે.કે. ટાવરમાં આવેલા તેમના મકાનમાં રોકાયા હતા. ૨૪મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ સવારે ૭ કલાકે તેમના ઘરનો પાછળનો દરવાજો પાવડા, ત્રિકમ જેવા સાધનોથી તોડી નાંખી કબીલપોર પી.જી. ગાર્ડનમાં રહેતા પુષ્પાબેન ચીમનભાઈ પટેલ, મુકતાબેન નિખિલભાઈ ટેલર, નિખિલભાઈ ટેલર, દિયાબેન પટેલ, હીલીબેન વગેરે ગેરકાયદે ઘરમાં ઘૂસી ગયા હતા અને એ વખતે પુષ્પાબેન પટેલે એનઆરઆઈ નયનાબેન વ્યાસને તમાચો મારી દીધો હતો.
તેમણે ૧૦થી ૧૫ મહિલાઓ સાથે એનઆરઆઈ નયનાબેનને ઘરમાંથી બહાર કાઢી ગાળો આપી હતી. એ વખતે ચારેક મહિલા પાસે ત્રિકમ અને પાવડા જેવા સાધનો પણ હતા. નયનાબેન તેમના દીકરીના લગ્ન હોવાને કારણે કામની વ્યસ્તતાને લઈ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ન હતી. ૪ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ તેમણે ૨૪મી ડિસેમ્બરના રોજ સવારે તેમની સાથે બનેલી ઘટનાની ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી પીએસઆઈ એલ.જી. ગામીતે તપાસ હાથ ધરી હતી.
સગી બહેને તમાચો માર્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નયનાબેન વ્યાસને તમાચો મારનાર પુષ્પાબેન તેમના સગા બહેન થાય છે અને પુષ્પાબેનના જમાઈ નિખિલ ટેલર સામે જ નયનાબેને અગાઉ પોતાના ઘરમાં તાળુ તોડી ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બંને બહેનો વચ્ચે ક્યા કારણોસર વિખવાદ ચાલી રહ્યો છે તે પોલીસ હજી જાણી શકી નથી પરંતુ એનઆરઆઈ નયનાબેનની ફરિયાદને પગલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.