સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન સમારોહ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રગતિ દર્શાવતું મેગા પ્રદર્શન મહાત્મા મંદિર, ગાંધીનગર મુકામે ૨૯મી એપ્રિલથી ૬ઢ્ઢી મે સુધી પંચ શક્તિના સમાવેશવાળુ પ્રદર્શન યોજાયું હતું, જેમાં નવસારી જિલ્લાનું જ્ઞાનશક્તિ આધારિત સ્ટોલ સુરત મુકામે ગાંધીનગર માટે પસંદ થયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી કે.એન. જાની તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. વિસિયાના માર્ગદર્શન હેઠળ શાસનાધિકારી બી.એન. પટેલની દેખરેખ હેઠળ ગાંધીનગર મુકામે નવસારીનો સ્ટોલ રજુ કરવામાં આવ્યો હતો, જેમાં નવસારીનું વ્યક્તિવિશેષ, દાદાભાઈ નવરોજી, રમતવીરો, કન્યા કેળવણી, જુની શાળાઓ, લોકસહયોગથી બનેલ શાળા, વાંચે ગુજરાત તેમજ વિજ્ઞાનની બે કૃતિ સ્ટેમસેલ જે ઉચ્ચત્તર માધ્યમિક સંસ્કારભારતીના શિક્ષક નવીનભાઈ પટેલે બનાવેલી તેમજ મેથેમેટિક મેજીક બોક્સ જે મરાઠી પ્રાથમિક શાળા નં. ૨ના ઉપશિક્ષક શરદભાઈ એલ. પાટીલે બનાવી છે તે રજુ કરવામાં આવી હતી.
મેગા પ્રદર્શનમાં નવસારીના ખાસ કરીને ગણિત-મેજીક બોક્સ એ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. રાજ્યપાલ ડો. કમલાદેવી, મુખ્મમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય મંત્રીઓ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારી અને સામાન્ય જનતા આ સ્ટોલની મુલાકાતથી પ્રભાવિત થયા હતા. શિક્ષણમંત્રી રમણભાઈ મેજીક બોક્સ જોઈ એટલા ખુશ થયા કે પોતાની સહી કરી વિદ્યાર્થી અને શિક્ષકોને ચોપડી ભેટ આપી અભિનંદન આપ્યા હતા. આમ ૮ દિવસ સુધી કિન્વનર બી.એન. પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, શિક્ષકો ચંદુભાઈ પટેલ, મનહર ટંડેલ, વિનોદભાઈ પટેલ , નવીનભાઈ પટેલ તથા શરદભાઈ પાટીલે નવસારી જિલ્લાની ગાંધીનગર ખાતે જ્ઞાનશક્તિ આધારિત કૃતિઓ રજુ કરતા સૌને પ્રભાવિત કર્યા હતા.