વાપીની રોફેલ બિઝનેસ સ્કૂલના પદવીદાન સમારંભમાં માજી કેન્દ્રીય મંત્રી પ્રભુ હાજર રહ્યાં વાપીના જીઆઇડીસી રોફેલ બિઝનેસ સ્કૂલમાં તૃતીય પદવીદાન સમારંભમાં ઉપસ્થિત માજી કેન્દ્રીય ઊર્જા મંત્રી સુરેશ પ્રભુએ ગુજરાતના વિકાસની વાતો સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના પીએમ પદના યોગ્ય ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતા.
છરવાડા રોડ પાસે રોફેલ બિઝનેસ સ્કૂલમાં સોમવારે સવારે માજી કેન્દ્રીય ઊર્જા મંત્રી અને શિવસેનાના નેતા સુરેશ પ્રભુની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેની શરૂઆતમાં ટ્રસ્ટના ચેરમેન રજજુ શ્રોફે ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ સારા ભવિષ્ય માટે અભ્યાસ સાથે સારા સ્ટેજની પ્રસંદગી કરવી જોઇએ.
ઊર્જામંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દરેક રાજ્ય કૃષિક્ષેત્રે ગુજરાત વિકાસ કરશે, તો અન્ય રાજ્યમાં ખેડૂતોને આત્મહત્યા કરવાનો પ્રશ્ન મટી જશે. અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતને વિકાસના સારા પરિણામો મળ્યાં છે. સમગ્ર ભારતનો વિકાસ થશે તો નકસલવાદી પ્રવૃત્તિ અટકી જશે.ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીને આભારી છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર ૧૧ ટકાએ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે.
જે વ્યક્તિ ગુજરાતનો વિકાસ કરી શકે તે દેશનો પણ વ્યવસ્થિત વિકાસ કરી શકવાને સક્ષમ છે. જેથી તેઓ પીએમ પદના યોગ્ય ઉમેદવાર છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી આશિષ રોય, ભરતભાઇ પટેલ, યુપીએલના કનુભાઇ દેસાઇ,રોટરી પ્રમુખ સંજય દેસાઇ, પ્રફુલભાઇ દેવાણી સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતા.