શહેરમાં દારૂની હેરાફેરી એ કંઈ નવી બાબત નથી અને એના માટે બાળકોનો ઉપયોગ થતો હોવાની વાત પણ અનેકવાર બહાર આવી છે, જોકે હવે માનવતા પર લાંછનરૂપ એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ૧૨ વર્ષના અજયને ભણવું છે, જોકે તેની અપંગ માતા તેને સ્કૂલમાંથી ઉઠાડીને દારૂની ખેપ મરાવે છે, જો બાળક વિરોધ કરે તો તેને મારવામાં આવે છે ત્યારે તેના મનમાં સવાલ ઊભો થાય છે કે શું તેની માતા દારૂના ચક્કરમાં લોહીનો સંબંધ ભૂલી ગઈ છે, બીજી તરફ ૯૦ વર્ષની એક વૃદ્ધ મહિલા આ બાળકનું ભવિષ્ય બનાવવા શક્ય તમામ પ્રયાસ કરે છે, જોકે તેની ઉંમરના કારણે તે વિવશ છે, આ તો એક અજયની વાત છે, શહેરમાં આવા તો અનેક અજય હશે, જેમને મમતાને બદલે લાલચી મા મળી છે, હવે આવા બાળકો મોટા થઈને અપરાધના રસ્તે ન વળે તો જ નવાઈ
સુનિતા નામની મહિલા દારૂની ખેંપ મારવા માટે પોતાના પુત્ર અજય અને બહેનના પુત્ર કૃણાલનો ઉપયોગ કરે છે. તે આ બંને બાળકોને નિયમિત રીતે પશ્ચિમ એક્સપ્રેસમાં દમણ લઈ જાય છે. હવે આ બંને બાળકોએ ‘ડીબી ગોલ્ડ’ સમક્ષ પોતાની આપવીતી કહી હતી. તેમણે કહ્યું હતું કે તેમની માતા અઠવાડિયામાં એકાદબે વાર પશ્ચિમ એક્સપ્રેસમાં દમણ ખાતે કચીગામે લઈ જાય છે. તેઓ ત્યાં મહેન્દ્રબારમાંથી દારૂ ખરીદે છે. હવે આ બંને બાળકો સુનિતા સાથે નહીં પરંતુ તેમનો લોહીનો સંબંધ નથી એવી વૃદ્ધ મહિલા શારદાબેન વાઘેલા સાથે રહે છે.
મારી માતા બળજબરીપૂર્વક દારૂની ખેપ મરાવે છે
પિતાનું મૃત્યુ થયા બાદ છેલ્લાં એકાદ વર્ષથી મારી માતાને સમીર નામના રિક્ષાચાલક સાથે પ્રેમ થઇ ગયો હતો, ત્યારથી તે જતી રહી છે. જોકે મારી માતા દમણથી દારૂની ખેપ મારે છે. મારી માતા બળજબરીપૂર્વક મને દમણ લઇ જાય છે. મારી માતા મને પશ્ચિમ એક્સપ્રેસમાં લઈ જાય છે અને દમણના મહેન્દ્ર બારમાંથી દારૂ ખરીદે છે. આ દારૂ ગોલવાડમાં મોકલવામાં આવે છે. વિરોધ કરવા પર મને અને કૃણાલને મારવામાં આવે છે. અમે બંને નાના હોવાથી શંકા ન જાય તે માટે અમારા શરીર ઉપર જેકેટ બાંધીને દારૂની બોટલ્સ સુરત ટ્રેન મારફત લાવવામાં આવે છે. મને મારવાની સાથે કૃણાલને દંડા વડે ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહિ, પરંતુ તેને સમીરે ગુપ્ત ભાગ નજીક ડામ પણ આપ્યા હતા. મને નથી સમજાતું કે આખરે મારી માતા મારી દુશ્મન કેમ બની.
-અજય વાઘેલા, સુનિતાનો પુત્ર
હું બાળકોને ખરાબ રસ્તે નહીં જવા દઉં
બંને બાળકો મારા નથી, પરંતુ તેમને મારા સંતાનોની જેમ ઉછેરું છું. હું બકરાં ચારીને તથા લોકોના ઘરોના કામ કરીને તેમનું ભરણપોષણ કરું છું. આ બાળકો ખાનદાનના અંતિમ ચિરાગ છે. હું કોઇ પણ કાળે તેમને ખરાબ કામોમાં જોતરવા નહીં દઉં.
- શારદાબેન વાઘેલા, વૃદ્ધ મહિલા
આવી મા કોઈને ન મળે!
ખરી જનેતા કોણ?
અજય અને કૃણાલ હાલ શારદાબેન સાથે રહે છે. શારદાબેનને અજય સાથે સીધો લોહીનો સંબંધ નથી. અજય શારદાબેનના પતિ નાનજીભાઈની પહેલી પત્નીના પુત્રનો પુત્ર છે જ્યારે કૃણાલ સાથે તો શારદાબેનને કોઈ જાતનો સંબંધ જ નથી. આમ છતાં ૯૦ વર્ષની ઉંમરે પણ તેઓ અજય અને કૃણાલના ભવિષ્ય માટે લડાઈ લડી રહ્યાં છે. અજયના પિતા ભરતનું અઢી વર્ષ પહેલાં જ મોત થયું હતું.
દારૂની ખેપ માટે બાળકોનો ઉપયોગ
દારૂની ખેપ મારવા માટે સુનિતા પોતાની સાથે અજય અને કૃણાલને સાથે લઈ જાય છે. તે પોતે અપંગ છે અને તેની સાથે બાળકો હોવાથી પોલીસને શંકા જતી નથી.એક વાતચીતમાં અજય અને કૃણાલે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ એક્સપ્રેસમાં જાય છે. દમણમાં સુનિતા મહેન્દ્ર બારમાંથી દારૂ ખરીદે છે અને તેઓ સુરત પાછા ફરે છે.
પોલીસમાં ફરિયાદ
નાનજીભાઈએ ‘ડીબી ગોલ્ડ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમે સુનિતા અને તેના પ્રેમીની વિરુદ્ધમાં પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. એ પછી આ બંનેએ અજય અને કૃણાલનું અપહરણ કર્યું હતું. જોકે કૃણાલને તો અમરોલી પોલીસ-સ્ટેશને શોધી આપ્યો, પરંતુ સુનિતા અને તેનો મુસ્લિમ પ્રેમી અજયને લઈને અમારી પાસે આવ્યાં. તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવા બદલ મને ઢોર માર માર્યો હતો.’
સુનિતાને મુસ્લિમ પુરુષ સાથે પ્રેમ
દસ વર્ષ પહેલાં જ ભીલાડ પાસે ટ્રેન અકસ્માતમાં સુનિતાના બંને પગ કપાઈ ગયા હતાં. સુનિતાને તેના પતિ ભરતના મોત બાદ મુસ્લિમ પુરુષ સમીર સાથે પ્રેમ થયો. એ પછી તેણે દારૂની ખેપ મારવા અજય અને કૃણાલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.
અમે ઠપકો આપ્યો હતો
આ વૃધ્ધ દંપત્તી વર્ષોથી અમારા ખેતરની બાજુમાં ખોરડું બાંધીને રહે છે. પતિના મોત અને વિકલાંગ વહુની વ્યથા જોઇને અજયને હું મારા મિત્ર જીગર સાથે ગામની શાળામાં દાખલો અપાવી આવ્યો હતો. દારૂની ખેપ માટે તે અજય અને કૃણાલને લઇ જતી હોવાથી અમે તેને ઠપકો આપ્યો હતો.
- આસફિ ખડકી, સ્થાનિક રહીશ
વિરોધ કરતાં વહુ અને તેના પ્રેમીએ માર માર્યો
શુક્રવારે સાંજે સુનિતા અજય અને કુણાલને બળજબરીપૂર્વક દારૂના ધંધાની હેરાફેરી માટે લઇ ગઇ હતી. તે વારંવાર દારૂની ખેપ માટે બાળકોનો ઉપયોગ કરે છે એટલું જ નહીં બાળકો ના પાડે તો તેને ખૂબ જ મારવામાં આવે છે. આથી જ અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. તો તેનો બદલો લેવા સુનિતા અને તેના પતિએ મને ખૂબ જ માર માર્યો હતો.
- નાનજીભાઇ વાઘેલા, શારદાબેનના પતિ
શારદાબેનનો વિરોધ
સુનિતા અજય અને કૃણાલને દારૂની ખેપ મારવા માટે લઈ જાય છે તેનો શારદાબેન અને તેમના પતિ નાનજીભાઈએ વારંવાર વિરોધ કર્યો છે. જોકે સુનિતા અને તેનો મુસ્લિમ પ્રેમી જબરદસ્તીથી દારૂની ખેપ માટે અજય અને કૃણાલને લઈ જાય છે.
બાળકો દાદા-દાદીને છોડવા નથી માંગતા
હું ખોરડાની નજીકમાં જ ચાની લારી ચલાવું છું. સુનિતા વારંવાર બાળકોને લઇ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ બંને બાળકો દાદી પાસે આવતા રહે છે. શુક્રવારે કૃણાલને સુનિતાના ઘરેથી ભાગીને અમરોલી પોલીસ મથકે પહોંચી જતા પોલીસ તેને મૂકી ગઇ હતી. અમે ઇચ્છીએ છીએ કે અજય અને કૃણાલ તેની દાદી શારદાબેન પાસે જ રહે
- કાન્તીભાઇ ગુંડિયા, સ્થાનિક રહીશ