નવસારીમાં ગણેશ ઉત્સવ જાગૃતિ સમિતિ દ્વારા ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા માટે તંત્રને ચીમકી અપાઈ
નવસારી જિલ્લામાં શ્રીજીની પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની પ્રતિમાની સ્થાપના સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પગલે કેટલાય મંડળો શ્રીજીની પ્રતિમાથી વંચિત રહી ગયા છે. માટીની પ્રતિમા મળતી નથી ત્યારે ચાલુ વર્ષે પીઓપીની પ્રતિમાનું સ્થાપન કરવાની છુટ આપવામાં આવે તેવી માગ સાથે ગણેશ ઉત્સવ જાગૃતિ સમિતિ (સૂચિત) દ્વારા એડશિનલ કલેક્ટર બી.કે. કુમારને આવેદનપત્ર અપાયું છે. આ અંગે જો ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
સરકાર તરફથી ચાલુ વર્ષે શ્રીજીની પ્રતિમાની સ્થાપના બાબતે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે માટીની મૂર્તિ, વોટરકલરવાળી મૂર્તિની જ સ્થાપના કરવી તેવો નિર્ણય કરાયો હતો. નવસારીમાં વર્ષોથી નાના-મોટા મંડળો દ્વારા અંદાજિત ૨૫૦૦થી ૩૦૦૦ જેટલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. આર્થિક રીતે પછાત હોય તેઓ માટે ચાલુ વર્ષે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવું શક્ય નથી. આ ઉપરાંત મોટા મંડળોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે કારણ કે માટીની મૂર્તિ નવસારીમાં મળવી મુશ્કેલ છે.
આ સ્થિતિ જોતા ચાલુ વર્ષે પીઓપીની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવાની છુટછાટ આપવામાં આવે તેવી માગ સાથે ગણેશોત્સવ જાગૃતિ સમિતિના અજીતભાઈ ગાંધીઅને નવસારી જલાલપોર તાલુકા ગણેશ મંડળના આગેવાનોએ એડશિનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવા અનુરોધ કર્યો છે.
જો પીઓપીની પ્રતિમાનું સ્થાપન કરવા બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગણેશ ઉત્સવ જાગૃતિ સમિતિ (સૂચિત) દ્વારા ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
અન્ય જિલ્લામાં છુટ તો નવસારીમાં કેમ નહીં ?
સમગ્ર ગુજરાતમાં શ્રીજીની પીઓપીની પ્રતિમા સ્થાપન કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, પ્રતિબંધ બાદ અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો તથા આણંદ ખાતે મુક્તિ આપી પીઓપીની મૂર્તિનું સ્થાપન કરવાની છુટ આપેલી છે. તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ નિયમો કેમ તેવો સવાલ સમિતિ દ્વારા સવાલ કરાયો છે.
પ્રતિબંધનું કારણ વ્યાજબી નથી
સરકાર દ્વારા પીઓપીની મૂર્તિઓ બાબતે જે પ્રતિબંધ મૂક્યો છે અને જે કારણો દર્શાવ્યા છે તે સમિતિએ માન્ય રાખ્યા ન હતા. પીઓપીની મૂર્તિનું નદીના પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થતું હોય તો નવસારીની પૂણૉ નદીના પાણીમાં ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી, નવસારી તથા વિજલપોર પાલિકાનું ડ્રેનેજનું દુષિત પાણી કોઈપણ જાતના પ્રોસેસિંગ વગર લાખો ગેલન ઠલવાય છે તો તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી ? તો ગણેશજીની પ્રતિમાના વિસર્જન બાબતે પ્રતિબંધ કેમ ? એવા સવાલો આવેદનપત્રમાં ઉઠાવાયા છે.
ઉચ્ચ સ્તરે ચર્ચા બાદ નિર્ણય
ગણેશ મંડળ દ્વારા રજુઆત કરાઈ છે. આ અંગે કલેક્ટર અને ડીએસપી સાથે ચર્ચા કરાશે. ત્યારબાદ નિર્ણય જાહેર કરાશે બી.કે. કુમાર, એડશિનલ કલેક્ટર
આ છેલ્લી રાહત
પીઓપી અંગે ઉત્સવને ધ્યાનમાં લઈ આ વર્ષ પૂરતી રાહત આપે તો વાંધો નહીં, પરંતુ આવતા વર્ષે છૂટછાટ ન મળવી જોઈએ - મેહુલભાઈ પટેલ, શિક્ષક