- ડાંગર અને ફળ-શાકભાજી માટે હાલનું હવામાન અનુકૂળ હોવાથી ઉત્પાદન વધશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર દ્વારા સમગ્ર દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ઘઉં-ચોખા સહિતના કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અનાજ, શાકભાજી તેમજ ફળફળાદીના ઉત્પાદનમાં સરેરાશ વધારો થયો છે.
રાજ્યમાં ફ્રૂટ એન્ડ વેજિટેબલ બાસ્કેટ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતમાં હાલના સંજોગોમાં હવામાન અનુકૂળ હોવાને કારણે ડાંગર, ફળ અને લીલા શાકભાજીનું મબલખ ઉત્પાદન થશે. જોકે, માવઠાને કારણે શેરડીમાં ફ્લાવરિંગ થવાથી તેમાં નુકસાની છે. આ સિવાયના તમામ પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે શેરડી, ડાંગર, કેરી, ચીકુ, કેળાં, તમામ પ્રકારના લીલા શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. હાલમાં હવામાન અનુકૂળ હોવાને કારણે ડાંગરમાં જીવાતનું આક્રમણ નથી.અને તેના કારણે સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળશે. વધારે વરસાદને કારણે શિયાળુ જુવારનો પાક પણ સારા એવા પ્રમાણમાં ઊતરશે.
નવાગામના જાણીતા ખેડૂત આગેવાન રમણભાઇ પટેલ કહે છે કે વધુ વરસાદને કારણે મોડેથી વાવણી કરનારના પાકને પાછોતરા વરસાદનો સારો લાભ મળ્યો છે.
- આંબે મોર જોતાં કેરી મબલખ ઊતરશે
સુરત-નવસારી અને વલસાડ જિલ્લામાં અંદાજે ૩૫ હજાર હેકટરમાં આંબાવાડિયાઓ આવેલાં છે. હાલ આ વાડીઓમાં મબલખ પ્રમાણમાં મોર આવ્યો છે, જે જોતાં કહી શકાય કે જો આગામી દિવસોમાં કોઇ રોગચાળો નહીં આવે અને હવામાન અનુકૂળ રહે તો કેરીનો મબલખ પાક ઊતરે એવી ગણતરી રાખી શકાય.
- તમામ લીલાં શાકભાજીનો પાક સારો રહેશે
દક્ષિણ ગુજરાતમાં દૂધી, તૂરિયા, પરવળ, કારેલાં, ભીંડા, કોબીજ, ફ્લાવર, ટામેટાં સહિતનાં તમામ પ્રકારનાં લીલાં શાકભાજીનું પણ સાનુકૂળ વાતાવરણને કારણે સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થશે. સુરત-નવસારી અને વલસાડમાં કુલ ૨૨,૫૬૧ હેકટર જમીનમાં લીલા શાકભાજીનું વાવેતર થયું છે. માત્ર સુરત શહેરમાં ૧૨ હજાર હેકટર જમીનમાંથી ૨,૫૦,૦૦૦ મેટ્રિક ટન લીલાં શાકભાજીના ઉતારાની ધારણા રાખવામાં આવી રહી છે.
- શેરડીમાં ફ્લાવરિંગથી મીઠાશ-ખાંડની રિકવરી ઘટશે
કમોસમી વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ખેતરોમાં ઊભેલી શેરડીના પાકમાં ફ્લાવરિંગ જોવા મળે છે. આ ફ્લાવરિંગને કારણે તેની મીઠાશમાં ઘટાડો થશે અને તેની સાથો સાથ વજન કપાવા સાથે ખાંડની રિકવરી પણ ઓછી આવશે. દક્ષિણ ગુજરાતના સુરત-નવસારી અને વલસાડ જિલ્લામાં શેરડીનું કુલ વાવેતર ૧૦૬૯૦૬ હેકટરમાં થયેલું છે. આ પાકને નુકસાન થવાને કારણે શેરડીનું વાવેતર કરનારા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.
- આ વર્ષે કેરીનો પાક દોઢ ગણો
આ વખતે ફ્લાવરિંગ ખુબ જ સરસ થયું છે. આંબાને અત્યાર જેવું જ સાનુકુળ વાતાવરણ મળે તો આ વખતે કેરીનો પાક ગયા વર્ષ કરતાં દોઢ ગણો કે તેથી પણ વધુ ઉતરવાની શક્યતા છે. કેરીનો જ્યાં મુખ્ય પાક થાય છે તેવા વલસાડ, ગણદેવી પટ્ટા પર ગયા વર્ષે અંદાજે ૨થી અઢી લાખ મણ કેરીનો પાક ઉતર્યો હતો.-સતીષભાઈ નાયક, ચેરમેન, વલસાડ ફળ-શાકભાજી ફેડરેશન
- ગુવાર, પરવળનો પણ પાક વધુ
આ ઉનાળામાં ગુવાર-પરવળનો પાક વધારે ઉતરવાની શક્યતા છે. શાકભાજીના ભાવ હજી એક મહિનો સસ્તાં રહેશે અને ઉનાળો બરાબર જામશે ત્યારે વધારે રહે છે. સાઉથ ગુજરાતમાં ડાંગરની પણ સારી ખેતી થાય છે જેના ધરુની રોપણી હવે શરૂ થઈ ગઈ છે કેમકે અત્યારે તેના માટે અનુકુળ કહી શકાય તેવું હવામાન છે.-રમણભાઈ પટેલ, એપીએમસીના વાઇસ પ્રેસિડન્ટ
- લંબાયેલો વરસાદ અને ઠંડી લાભદાયી
શેરડીમાં હવામાનને કારણે ફ્લાવરિંગ થઇ જવાને કારણે વજન ઓછું આવશે અને ખેડૂતોને ધારણા પ્રમાણેનો લાભ મળશે નહીં. બીજી તરફ પાછોતરા વરસાદ અને લંબાયેલા શિયાળાને કારણે ડાંગર-લીલા શાકભાજી તેમજ ફળફળાદીને સારો લાભ થયો છે. જેથી ખેડૂતોને આર્થિક લાભ ચોક્કસ મળશે સાથે ગ્રાહકો માટે પણ સારા સમાચાર છે. -સી. કે. ટિંબડિયા, નવસારી કૃષિ યુનિ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર
- સંતરા, દ્રાક્ષ તડબૂચ આવવાનું શરૂ
ઊનાળાની શરૂઆત સાથે જ સંતરા અને દ્રાક્ષ શહેરમાં આવવા માંડે છે, અત્યારે મોંઘી લાગતી દ્રાક્ષ એક મહિનામાં તો એકદમ સસ્તી થવા માંડશે. ટેટી અને તડબૂચ હવે મોટા પ્રમાણમાં માર્કેટમાં દેખાવા માંડશે પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટોની અસર હવે આ બધાં ફળો પર પડી ચૂકી હોવાથી તેના ભાવમાં ખાસ કોઈ ઘટાડો જોવા મળતો નથી તેવું ડૉ. નાયકે જણાવ્યું હતું.-ડૉ. જયેશ નાયક, ખેડૂત-હવામાન નિષ્ણાત