સાસરિયા પક્ષ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ચીખલી બજારમાં ત્રણ દિવસ અગાઉ એક મહિલાએ પતિ ફિલ્મ જોવા ન લઈ જતા ગળેફાંસો ખાઈ જવાની ઘટનામાં મરનાર મહિલાના પિતાએ ફરિયાદ કરી જણાવ્યું કે પતિ, સાસુ, દિયર અને નણંદ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા આખરે નાસીપાસ થયેલી આ મહિલાએ દોઢ વર્ષના પુત્રનો વિચાર કર્યા વગર સાસરામાં જ ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કરતા સિંધી સમાજ સહિત બજાર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી બજારના ધોબીવાડ વિસ્તારમાં રહેતા નયન જેઠાનંદ ભાગચંદાનીના લગ્ન આશા ઉર્ફે દ્રષ્ટિ નામની યુવતી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના સુખી સંસારમાં એક દોઢ વર્ષનો પુત્ર પણ અવતર્યો હતો.
આશા ઉર્ફે દ્રષ્ટિને પોતાની સાસરામાંથી દહેજની માંગણી કરતા અને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ પતિ નયન જેઠાનંદ ભાગચંદાની, સાસુ ઉષાબેન જેઠાનંદ ભાગચંદાની, દિયર વિપુલ જેઠાનંદ ભાગચંદાની તથા નણંદ રીના જેઠાનંદ ભાગચંદાની દ્વારા અપાતા આખરે હિંમત હારી ચૂકેલી આશા ઉર્ફે દ્રષ્ટિએ પોતાના દોઢ વર્ષના પુત્રનો પણ કોઈ વિચાર કર્યા વગર પોતાના સાસરામાં જ પોતાના રૂમમાં હિંચકાના હુક સાથે ઓઢણીથી ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કર્યું હતુ. અઆ ઘટનાથી ચીખલી બજાર સહિત સિંધી સમાજમાં ચકચાર મચી જવા પામી હતી.
જોકે આ મહિલાએ ગળેફાંસો ખાધા બાદ પતિ, સાસુ, દિયર અને નણંદ દ્વારા પિકચર જોવા ન લઈ જતા ખોટુ લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જુઠાણું ચલાવ્યુ હતું. આ બનાવ અંગે મરનાર મહિલાના પિતા ઈશ્વરલાલ વેન્સીમલ મારવાની રહે. વડોદરાએ ફરિયાદ કરતા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પર્દાફાશ થઈ ગયો હતો. વધુ તપાસ ચીખલીના પીએસઆઈ આર.વી. ઠાકોર કરી રહ્યા છે.