વડોદરા, સુરત,ભરૂચ અને અમદાવાદ સુધી લાંબા થતાં જુગારિયા
પોલીસની નજરથી બચવા હવે ફલેટ, ખેતરો, ફાર્મ, હાઉસ અને અંગત માલિકીના સ્થળોની કરાતી પસંદગી
જન્માષ્ટમીના પર્વને ઉજવવા કૃષ્ણપ્રેમી ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેલીઓ જુગાર રમી શકાય તે માટેના સ્થળો શોધવાનું શરૂ કરી દીધું છે.
નર્મદા જિલ્લાની હાઇ સોસાયટીના જુગાર શોખીનો શ્રાવણીયો જુગાર રમવા માટે મોટી હોટલો, ફલેટો, ખેતરો અને ફાર્મ હાઉસ પર પોતાની પસંદગી ઉતારતા હોય છે. કેટલાક જુગારીયા વડોદરા, સુરત, ભરૂચ સહિત અમદાવાદ જેમ સ્થળોએ ટોળકી બનાવી જુગાર રમવા જતા હોય છે.શ્રાવણ માસમાં જુગાર રમતના શોખીનો જુગાર રમવા ઠેર ઠેર આયોજન કરતા નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં જુગારના આયોજનની ચર્ચા થતી હોય છે. જન્માષ્ટમીના દિવસે લાખોના પાનાપત્તાનો જુગાર રમાતો હોય છે.
પોલીસની નજરથી બચી રંગમાં ભંગ ન પડે તે માટે નબીરાઓ હવે ફાર્મ હાઉસ, હોટલરૂમ, ફલેટ કે અંગત માલિકીની જગ્યાઓ વધુ પસંદ કરતા હોય છે. આઠમના દિવસે પત્તાની સાથે શરાબની પણ મહેફિલો જામતી હોય છે. ગામે ગામ યુવાનોથી માંડી વૃદ્ધો ગામના ચોતરા પર ખીસ્સાની શકિત પ્રમાણે દાવ રમી નાખે છે.