વાપીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સફાઈકર્મીએ બે વિદ્યાર્થિનીને ટોઈલેટમાં બંધ કરી છેડતીનો પ્રયાસ કરાયાની ફરિયાદ નોંધાતાં ચકચાર
ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરતાં મામલો પ્રકાશમા આવ્યો
આચાર્યાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
વાપી કોપરલી રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી બે બાળાઓ સાથે સફાઇ કામદારે અડપલાંનો પ્રયાસ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સોમવારે બપોરે બીજા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને ટોયલેટમાં બંધ કરી સફાઇ કામદાર દિપક રામકલમે શારીરિક અડપલાંનો પ્રયાસ કર્યો હતો. મંગળવારે વાલીઓએ આ અંગે શાળા સંચાલકોને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા બુધવારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્યા સુનીતાસિંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી-કોપરલી રોડ પર આવેલી છીરી સ્થિત સીબીએસઇબોર્ડ સંચાલિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે બપોરે ૩.૩૦ કલાકે સફાઇ કામદાર દિપક રામકલમે (ઉ.વ.૨૫, રહે. જૂના હાઉસીંગ બોર્ડ, અંબામાતા મંદિર નજીક, વાપી, મૂળ રહે. ગોરખપુર, મીઠાનપુર યુ.પી.) બીજા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને સ્કૂલના પહેલા માળે આવેલા લેડીઝ ટોયલેટમાં લઇ જઇ અંદરથી સ્ટોપર મારી દીધી હતી.
વિદ્યાર્થિનીઓને ડરાવી ધમકાવી કોઇને પણ કશુ કહ્યું તો મારી નાંખવાની ધમકી આપી શારીરિક અડપલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બે વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીએ હિંમત દાખવી સ્ટોપર ખોલી નાંખતા બંને વિદ્યાર્થિનીઓ હેમખેમ બહાર આવી ગઇ હતી. બે વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીએ સ્કૂલમાં બનેલી તમામ ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી.
મંગળવારે સવારે છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે શાળાના આચાર્યા સુનિતા સિંગનો સંપર્ક સાંધ્યો હતો અને બીજા વાલીઓએ પણ શાળાએ વિદ્યાર્થિનીની છેડતીને લઇ હલ્લો પણ મચાવ્યો હતો.આખરે બુધવારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સફાઇ કામદાર દિપક રામકલમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
વાલીઓ દ્વારા આરોપીને સજાની માગણી
છેડતીનો ભોગ બનનારી માસૂમ બાળના માતા-પિતાએ જણાવ્યું હતું કે, શાળામાં અનેક વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, ત્યારે ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને તે માટે પોલીસ કાર્યવાહી કરવી જરૂરી હોવાથી અમે ફરિયાદ કરી છે.
તમામ સફાઇ કામદારની ઓળખપરેડ
મંગળવારે શાળાએ ફરિયાદ કરવા પહોંચેલા વાલીઓની ફરિયાદ સાંભળ્યા બાદ શાળામાં કામ કરતા તમામ સફાઇ કામદારની ઓળખ પરેડ કરવામાં આવી હતી. પરંતુ કૃત્ય કરનાર હાજર ન હોવાથી આખરે શાળા સંચાલકોએ સફાઇ કામદારને શોધી કાઢી પોલીસને હવાલે કર્યો હતો.