જમીનમાં ભાગ આપવાના ઝઘડામાં બીજી પત્નીના ત્રણ પુત્રો - માતાએ જમાઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો
સાગબારા તાલુકામાં આવેલાં નાલ ગામે જમીનમાં ભાગ બાબતે ચાલતાં ઝઘડામાં એક માતા અને તેના ત્રણ પુત્રોએ જમાઇની હત્યા કરી નાખવાના કેસમાં અદાલતે માતા અને તેના ત્રણ પુત્રોને આજીવન કેદની સજા ફટકારી હતી.
સાગબારા તાલુકામાં આવેલાં નાલ ગામે રહેતાં શંકરભાઇ વસાવાએ તેમના બીજા લગ્ન બાદ ચાર સંતાનો પૈકી પ્રથમ પત્નીની પુત્રી સુનિતાને પણ તેમની જમીનમાં ભાગ આપ્યો હતો.
સુનિતાના લગ્ન બાદ પણ તેને જમીનમાં ભાગ આપતા તેમના પરિવારમાં જમીનના ભાગ મુદ્દે વારંવાર ઝઘડો થતો હતો. જોકે શંકરભાઇ ઝઘડાને શાંત પાડી દેતાં હતાં. દરમિયાન શંકરભાઇનું મૃત્યુ થતાં પરિવારમાં ચાલતા જમીનના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શંકરભાઇની બીજી પત્ની કમુબહેન અને તેના ત્રણ પુત્ર વિજય, પ્રતાપ તથા સુકારામે સુનિતા અને તેના પતિ રવિદાસ વસાવા સાથે અવારનવાર ઝઘડા કરતાં હતાં. અરસામાં ગત્ ૩જી જુલાઇ ૨૦૧૧ના રોજ રવિદાસ ગામના નરપતના ખેતરમાં કામ કરી રહ્યો હતો.
તે વેળાં કમુબહેન અને તેના ત્રણ પુત્ર વિજય, પ્રતાપ તથા સુકારામે ત્યાં પહોંચી રવિદાસને આંતરી તું અને સુનિતા અમારી જમીનમાંથી ભાગ છોડી દો તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો બિચકતાં માતા- પુત્રોએ તેના ઉપર હૂમલો કરી તેની કરપીણ હત્યા કરી હતી.
હત્યાનો કેસ રાજપીપળા સેશન્સ જજ એ. ડી. મોગલની અદાલતમાં ચાલી જતાં તેમણે સરકારી વકીલ જીતેશ પંડયાની દલીલોને ગ્રાહ્ય રાખી માતા અને ત્રણ પુત્રોને આજીવન કેદ અને પ હજારનો દંડ ફટકાર્યો હતો.