જલાલપોર લીમડા ચોક વિસ્તારમાં આવેલા દ્વારકેશ જવેલર્સના માલિકને લૂંટવાના કેસમાં લૂંટારાઓને ટીપ આપનાર જયેશ ઉર્ફે જીતુ માંકડીયાને મકાન ભાડે આપનાર તથા વ્યાજે નાણાં ધીરનારને નવસારી એલસીબીએ ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
જલાલપોરના લીમડાચોકમાં દ્વારકેશ જવેલર્સ નામની દુકાનના માલિક કેતન રંગપરીયાને મોટરસાઈકલ સવાર ત્રણ લૂંટારુએ આંખમાં મરચાની ભૂંકી નાંખી R ૨૪ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ટીપ આપનાર જયેશ ઉર્ફે જીતુ ઉર્ફે ટકલુ હંસરાજભાઈ માંકડીયાની નવસારી એલસીબીની ટીમે ધરપકડ કરી હતી. તેણે લૂંટારાઓને લૂંટની ટીપ આપતા લૂંટારાઓએ સફળતાપૂર્વક લૂંટ કરી હતી.
આ ટીપ આપવા બદલ જીતુને રૂપિયા ૧૫ હજાર લૂંટારાઓએ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. આ ટીપની રકમમાંથી તેણે R ૫ હજાર વ્યાજે નાણાં ધીરનાર જલાલપોર ગૌરીશંકર મહોલ્લામાં રહેતો જયેશભાઈ મહેશભાઈ ઠાકોરને આપ્યા હતા. જયેશ ઠાકોર પાસેથી જીતુ માંકડીયાએ વ્યાજે R ૯૦૦૦ લીધા હતા પરંતુ તે જુગારમાં હારી જતા તે રકમ પરત કરી શક્યો ન હતો.
નાણાં ધીરનાર જયેશ ઠાકોરે રૂપિયા મેળવવા દાબદબાણ કરતા તેણે લૂંટની ટીપ આપી તેમાંથી મળેલી રકમમાંથી વ્યાજના R ૫૦૦૦ ચૂકવ્યા હતા. નવસારી એલસીબીએ વ્યાજે નાણાં ધીરનાર જયેશ ઠાકોર પાસેથી વ્યાજે રૂપિયા આપવા અંગેની પાસ પરમિટ માંગતા તે ન મળતા પોલીસે જયેશ ઠાકોરની ધરપકડ કરી હતી.
એજ રીતે લૂંટકેસના આરોપી જીતુ માંકડીયાને ભાડેથી મકાન આપનાર મકાનમાલિકને પણ પોલીસે સકંજામાં લીધો હતો. ભાડે મકાન આપવા છતાં પોલીસ મથકમાં તેની નોંધ ન કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર જલાલપોર રોડ રામજી મંદિર પાછળ, કમલાપાર્ક સોસાયટીમાં રહેતા વિટ્ઠલભાઈ મોહનભાઈ કથિરીયાની પણ એલસીબીએ જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી.