-દાનહમાં રિક્ષા ચાલકો, બસ ઓપરેટરો અને પોલીસ વિભાગ વચ્ચે પણ બેઠક મળી
સંઘપ્રદેશ દાનહમાં સંસ્થાઓ તથા કંપનીઓમાં કામ કરતા મજૂરો માટે ઓળખપત્ર તથા તેને સંબંધી રેકર્ડ રાખવા માટે આદેશ જારી કર્યો હતો. જેમાં દાનહ પોલીસ વિભાગે ગુરૂવારે દાનહના બધા જ મજૂરો સપ્લાય કરતા કોન્ટ્રાકટરોને બોલાવી તેમના મજૂરોને ઓળખપત્ર રાખવા અને તેને સંબંધિત જાણકારી પોલીસ વિભાગને સોંપવા જણાવ્યું હતું.
સંઘપ્રદેશ દાનહના ટ્રાફિક તથા ક્રાઇમ વિભાગના એસપી નોરેન સેરબુએ જણાવ્યું કે, પ્રશાસનના નિયમોનુસાર અપરાધીઓ પર નજર રાખવા માટે પોલીસ વિભાગે દાનહની બધી જ સંસ્થાઓ તથા કંપનીઓમાં કામ કરવાવાળા મજૂરોની ઓળખાણ તથા તેને સંબંધિત રેકર્ડ રાખવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુરૂવારે ૩૦૦ જેટલા ઠેકેદારોને બોલાવી તેમના બધા જ મજૂરોને ઓળખપત્ર આપવા અને તેને લગતી તમામ માહિતીઓનો રેકર્ડ પોલીસ વિભાગને સોંપવા નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત ઓટો રિક્ષા અને બસ ઓપરેટરો વચ્ચે મુસાફરોને લઇ ખેંચતાણ અંગે પણ એક બેઠક મળી હતી. જેમાં ઓટો રિક્ષા ઓપરેટરોએ આરોપ લગાવ્યો હતો કે, કંપનીઓમાં કોન્ટ્રાકટ પર ચાલતી બસના સંચાલકો દ્વારા મજૂરોને બસમાંથી તેના સ્થાને છોડાયા બાદ બસમાં મુસાફરોને લઇ જવાય છે. જેથી રિક્ષા ચાલકોના વ્યવસાય પર તેની અસર પડે છે અને તે ગેરકાયદે છે. આ અંગે ટ્રાફિક એસપી નોરેન સેરબુએ બસ ઓપરેટરને આ અંગેના આરોપો સાચા જણાશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.