પ્રથમ વખત બિનરાજકીય રીતે યોજાયેલી રેલીમાં ખેડૂતો ઊમટી પડ્યા હતા
ખેડ સત્યાગ્રહની ૫૮મી જયંતિ નિમિત્તે બુધવારે પારડી તાલુકાના રોહિણા ગામે યોજાયેલી સત્યાગ્રહ કિસાન રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતાં. પહેલી વખત બિનરાજકીય કહી શકાય તેવી આ રેલીમાં પારડી અને કપરાડાના ખેડૂતોએ ભાગ લઈને આ આંદોલનની સ્મૃતિઓ ફરી તાજી કરી દીધી હતી.
રોહિણા ગામે આર.સી.દેસાઈ હાઈસ્કુલ મેદાનમાં ખેડ સત્યાગ્રહના આગેવાન અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે ઐતિહાસિક દિવસોને સ્મરણ તાજા કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હવે પછીથી પણ કિસાન પંચાયત ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપતી રહેશે. નવયુવાનોને કિસાન પંચાયતમાં સક્રિય ભાગ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ચીખલીના અરવિંદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ સરકારી વિભાગોમાં પડતી મુશ્કેલીના ઉકેલ માટે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવી પડશે. રોહિણાના અગ્રણી ગોવિંદભાઇ પટેલે પણ આ વિસ્તારના યુવાન કિસાન પંચાયતમાં સક્રિય રીતે જોડાવા અને ખેડ સત્યાગ્રહ શું છે તેની સમજ
આપી હતી.
આ પ્રસંગે પારડી ઘાસિયા ખેડ સત્યાગ્રહકની ગાથા વર્તાવતું પુસ્તક મહામાનવ પુરાણનું વિમોચન નિર્મળાબેનના હસ્તે કરાયું હતું. સભાના પ્રમુખ સ્થાને આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ ચંપક પટેલ, શોભાવ્યું હતું. આ રેલીને સફળ બનાવવા કિસાન પંચાયતના અગ્રણી ગોપાળભાઇ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
શું હતો ખેડ સત્યાગ્રહ
આજથી ૬૦ વર્ષ પહેલા પારડી તાલુકાનાગામોમાં ઘાસિયા મેદાનો હતા. મૂડીવાદીઓ આ વિસ્તારમાં જોર જુલમ આદિવાસીઓ પર ગુજારતા હતા. આ જુલમની સામે ઇશ્વરભાઇ દેસાઇએ સન ૧૯૫૩માં ઐતિહાસિક લડતરૂપી સત્યાગ્રહ કર્યો હતો. જે સફળ થતાં ૧૪ હજાર એકર જમીન જમીન જમીનદારો પાસેથી ખેડૂતોને મળી હતી. આ ફળશ્રુતિ રૂપે દર વર્ષે ૧લી સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવે છે.