જંબુસર નગરપાલિકા સંચાલિત એસ એન્ડ આઇ.સી. હાઈસ્કૂલની ઇમારતનું છેલ્લા ઘણા સમયથી સમારકામ કરવામાં આવતું નહિ હોવાથી ભયજનક બની ગયેલી ઇમારતમાં હજારો વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તરફથી ગ્રાન્ટ મળવામાં વિલંબ થઇ રહયો હોવાથી સમારકામની કામગીરી અટકી હોવાનો લુલો બચાવ શાળા સંચાલકો કરી રહયાં છે પરંતુ કોઇ દુર્ઘટના સજૉશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન વાલીઓએ ઉઠાવ્યો છે.
જંબુસરની એસ એન્ડ આઇ.સી.હાઇસ્કુલની ઇમારતના ખસ્તા હાલ થઇ ગયાં છે છતાં તેમાં ધોરણ પ થી ૧૨ના વર્ગો ચલાવવાનું જોખમ શાળા સંચાલકો અને પાલિકા સત્તાધીશો ઉઠાવી રહયાં છે. શાળાની ઇમારતમાં ઠેર ઠેર સ્લેબના સિળયા બહાર ડોકાઇ ખતરાની ઘંટડી વગાડી રહયાં છે છતાં સમારકામ કરાવવામાં આવતું નથી. થોડા દિવસ અગાઉ શાળાની લોબીમાં પ્લાસ્ટર તૂટી પડવાની ઘટના બની હતી, પરંતુ સદનસીબે શાળા બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી.
શાળામાં ભણતાં છાત્રો અને ભણાવતાં શિક્ષકો માટે કોફિન જેવી બની ગયેલી એસ એન્ડ આઇ.સી. હાઇસ્કૂલની ઇમારત સમારકામ માંગી રહી છે છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના માટે શાળા સંચાલકો ગ્રાન્ટ મળવામાં વિલંબ થઇ રહયો હોવાનું કારણ આગળ ધરી રહયાં છે પણ સંચાલકો અને પાલિકા સત્તાધીશોનું આળસી વલણ ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઇ દુઘ્ર્ાટના સજૉવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી ત્યારે કોઇ ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન વાલીઓ ઉઠાવી રહયાં છે.
હજી ગ્રાન્ટ મળી નથી : ચેરમેન
શાળાના ચેરમેન પંકજ પટેલએ જણાવ્યું હતું કે, હજી સુધી ગ્રાન્ટ મળી નહિ હોવાથી સમારકામની કામગીરી અટકી છે. આ બાબતે પાલિકા પ્રમુખ તથા મુખ્ય અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રાંટ મળતાંની સાથે સમારકામની કામગીરી શરૂ કરાશે અને જોખમી હિસ્સાને ઉતારી લેવાનો પણ નિર્ણય લેવાશે.
છાત્રોને સુવિધા પૂરી પાડવામાં સંચાલકો નિષ્ફળ
એસ એન્ડ આઇ.સી. હાઇસ્કૂલની સ્થાપના ૧૯પ૨માં કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ ઘોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને બેન્ચીસના અભાવે તેમને જમીન ઉપર પાથરણાં પાથરી અભ્યાસ કરવામાં આવતો હતો. આ બાબતે પણ ભારે હોબાળો મચ્યો હતો ,પરંતુ આ ઘટના બાદ પણ શાળા સંચાલકોએ કોઇ બોધપાઠ લીધો ન હોવાનું ફલિત થયું છે.