રાંધણગેસના કાળાબજારને લીધે શહેરીજનોને સિલિન્ડર મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ ચોપાટી પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ફૂટ બ્રિજના બાંધકામમાં રાંધણગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત મળી છે, પુરવઠા અધિકારી અને પાલિકા બંને કહે છે કે આ બાબતની તપાસ કરાવાશે, હવે સવાલ એ ઊઠે છે કે આ સાઇટની નિયમિત મુલાકાત લેનારા અધિકારીઓને ક્યારેય આ ગેરરીતિ જણાઈ જ નથી!
ચોપાટી પાસે આકાર લઈ રહેલાં ફુટ બ્રિજની કામગીરીમાં કટિંગ અને વેલ્ડિંગ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘ડીબી ગોલ્ડે’ કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે કરવામાં આવતા નિયમ ભંગની તસવીર કેમેરામાં કેદ કરી હતી. અહીં કટિંગ અને વેલ્ડિંગ માટે ઇન્ડેન કંપનીના રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આવી સ્થિતિમાં સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાએ એના કોન્ટ્રાક્ટર્સને નિયમોનો ભંગ કરવા માટે પૂરેપૂરી છુટ આપી છે. હવે જોવાનું એ રહે છે કે પુરવઠા ખાતા દ્વારા પાલિકાના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રાંધણગેસની ખુલ્લેઆમ ચોરી
આ ખૂબ જ ગંભીર બાબત છે
આ ઘણી ગંભીર બાબત છે. કોન્ટ્રાક્ટર રાંધણ ગેસનો ઉપયોગ કરી ન શકે. કોન્ટ્રાક્ટરે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરવાનો હોય છે. આ બાબતની અમે સુપરવાઇઝર થકી તપાસ કરીશું. જો ગેરરીતિ જણાશે તો ચોક્કસ જ કાર્યવાહી કરવામાં આવશે. હવે તમામ દોષિતો સામે પગલાં લેવાશે. અમારા અધિકારીઓ સાઈટની મુલાકાત લેતા હતા. જોકે, તેમની મુલાકાત દરમિયાન આ ગેરરીતિ જોવા મળી નહતી.
બી.કે. ગઢિયા,
ઈન્ચાર્જ કાર્યપાલક ઈઝનેર, બ્રિજસેલ
ટેમ્પરરી રાંધણગેસનો ઉપયોગ કરાયો હશે
અમે હંમેશા કોમર્શિયલ ગેસનો જ ઉપયોગ કરીએ છીએ. જોકે સાઇટ પર ટેમ્પરરી ઘરનો રાંધણ ગેસનો ઉપયોગ કર્યો હશે. આ રાંધણ ગેસ અમે કાળાબજારિયાઓ પાસેથી મેળવ્યો નથી. ઇમરજન્સી હોય તો જ રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ. અમે મોટા મોટા પ્રોજેક્ટ્સ સાકાર કર્યા છે. પરંતુ કદી રાંધણ ગેસનો ઉપયોગ નથી કર્યો. હા, ક્યારેક ઈમરજન્સીમાં રાંધણ ગેસનો ઉપયોગ કરવો પડે છે. જોકે, અમે તરત જ રાંધણ ગેસને રિપ્લેસ કરીએ છીએ.
બી.કે. શુક્લા,કોન્ટ્રાક્ટર
કાર્યવાહી કરવામાં આવશે
મહાનગરપાલિકાના પ્રોજેક્ટમાં રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય એવી જાણકારી હજી સુધી અમને મળી નથી, છતાં તમે કહો છો તો તપાસ કરીને કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરની કામગીરી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં આવતી હોવાથી તે રાંધણ ગેસનો ઉપયોગ કરી શકે નહીં. અમે રાંધણ ગેસનો કોમર્શિયલ એક્ટિવિટી માટે ઉપયોગ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીએ છીએ.
એમ. એમ. મકવાણા,જિલ્લા પુરવઠા અધિકારી
ગરીબોના હક્કો છીનવાઈ રહ્યા છે
રાંધણ ગેસ એ લોકોનો હક્ક છે. એક સિલિન્ડર રસોઈ માટે ઉપયોગમાં લેવાય તો મહિના સુધી ચાલે છે જ્યારે તેનો કોમર્શિયલ ઉપયોગ થાય તો એક દિવસમાં જ સિલિન્ડર પૂરો થઈ જાય છે. જો આ રીતે રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો ગરીબોના હક્ક કોન્ટ્રાક્ટરો છીનવી રહ્યાં છે. આ મામલે હું અધિકારીઓ સાથે વાત કરીશ અને દોષિતો સામે પગલા લેવાય એ સુનિશ્વિત કરીશ.
ભીમજી પટેલ,શાસક પક્ષના નેતા
રાંધણગેસના કાળાં બજાર
શહેરની મોટાભાગની ગેસ એજન્સીઓ ગ્રાહકના હક્કના સિલિન્ડર વધુ રૂપિયા કમાવવાની લાલચમાં બે નંબરમાં વેંચતી હોવાનો આક્ષેપ અનેકવાર મૂકવામાં આવ્યો છે. ગ્રાહકો ફરિયાદ કરતા રહે છે પરંતુ કોઈ પરિણામ આવતું નથી. સામાન્ય રીતે ખાનગી હોટલ, લારી કે દુકાનોના માલિકો બ્લેકમાં રાંધણ ગેસના સિલિન્ડર ખરીદે છે. જોકે હવે સરકારી કામકાજમાં પણ કાળાબજારમાં ખરીદાયેલા રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
પાલિકાના પ્રોજેક્ટમાં જ રાંધણગેસનો ઉપયોગ
ચોપાટી પાસે ફુટ બ્રિજની કામગીરીમાં વેલ્ડિંગ માટે રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અંહી ફુટ બ્રિજનું કામ કરી રહેલા કારીગરો લોખંડના એંગલ જોડવા માટે વેલ્ડિંગ કરી રહ્યા હતા, પરંતુ વેલ્ડિંગ માટે જે ગેસ વપરાઈ રહ્યો હતો તે વેલ્ડિંગ ગેસની સાથે સાથે રાંધણ ગેસનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એ સિવાય કિંટગ માટે પણ ઇન્ડેન કંપનીના લાલ કલરના રાંધણ ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે જે સૂચવે છે કે પાલિકાએ કોન્ટ્રાક્ટર્સને કાયદો તોડવાની પરમિટ આપી છે. આ રીતે સબસિડાઈઝ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ એક્ટિવિટી માટે થઈ રહેલાં ઉપયોગની તસવીર ‘ડીબી ગોલ્ડ’ના કેમેરામાં કેદ થઈ હતી.
કાર્યવાહીની અપેક્ષા કોની પાસે
એક તરફ સરકાર રાંધણગેસના કાળા બજાર પર રોક લગાવવાનો દાવો કરી રહી છે. જોકે આ દાવો પોકળ જ હોવાનું અનેકવાર પુરવાર થયું છે. પુરવઠા વિભાગ શહેરના લારી ગલ્લાઓ પર દરોડા પાડી રાંધણગેસના સિલિન્ડર જપ્ત કરે છે, પરંતુ માત્ર ખાનગી હોટલ, લારી કે દુકાનો પર જ રાંધણ ગેસના સિલિન્ડરોનો ઉપયોગ થતો નથી. હવે તો સરકારી કામોમાં પણ આ રીતે રાંધણ ગેસના સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોય તો કાર્યવાહીની અપેક્ષા કોની પાસે રાખી શકાય.
સુરતમાં રાંધણગેસનાં સિલિન્ડરોના બેફામ કાળાબજાર
શહેરમાં આવેલી મોટાભાગની ગેસ એજન્સીઓના સંચાલકો વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગ્રાહકોના હક્કના સિલિન્ડરને કાળાબજારમાં વેંચી નાંખે છે. આજે શહેરના અનેક લારી-હોટલ, કે દુકાનવાળાઓ છૂટથી રાંધણગેસના સિલિન્ડરનો ઉપયોગ કરતા જોવા મળે છે. કોમર્શિયલ ગેસની કિંમત વધુ હોવાથી હોટલ્સ અને લારી ગલ્લાના માલિકો દ્વારા રાંધણ ગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેઓ કાળાબજારમાં આશરે ૫૦૦થી ૫૫૦ રૂપિયામાં રાંધણ ગેસ ખરીદે છે. બીજી તરફ શહેરીજનોને પંદર દિવસ સુધી ગેસ એજન્સીના ધક્કા ખાવા છતાં પણ રાંધણ ગેસ મળતો નથી.