હાંસોટના ઈલાવ ગામની સીમમાં આવેલાં શેરડીના ખેતરમાંથી કાપણીની કામગીરી દરમિયાન ખેતરમાંથી માનવ કંકાલના છુટાછવાયાં અસ્થિઓ મળી આવવાની શનિવારે સવારે બનેલી ઘટના બાદ પંથકમાં ચકચાર જાગી છે.
ખેતર માલિકે જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલી હાંસોટ પોલીસે ખેતરમાં ઝીણવટભરી તપાસ કરતાં વેરવિખેર હાલતમાં માનવ અંગોના અસ્થિ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તબકકે અસ્થિઓ મહિલા અને પુરૂષના હોવાનું જાણવા મળતાં મૃતકો પ્રેમી યુગલ હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.
ઇલાવ ગામની સીમમાં રોહિત પટેલના ખેતરમાં શનિવારે સવારે શ્રમજીવીઓ શેરડી કાપવા માટે ગયાં હતાં જ્યાં શ્રમજીવીઓને કંકાલ તથા અસ્થિઓ નજરે પડતાં તેમણે માલિકને જાણ કરી હતી. પ્રાથમિક તબકકે આ અસ્થિઓ કોઇ જાનવરના હોવાનું શ્રમજીવીઓએ માની લીધું હતું પણ થોડે દુરથી માનવ ખોપડી નજરે પડતાં હાંસોટ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હાંસોટના પોસઇ જે.પી.જાડેજા તથા સ્ટાફના જવાનોએ ખેતરમાં પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં માનવ ખોપડીના ટુકડા તેમજ માનવઅંંગોના અસ્થિ મળી આવ્યાં હતાં. બંને હાડપિંજર નજીકથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. અસ્થિઓ તથા ખોપડીના ટુકડાની પ્રાથમિક તપાસમાં તે મહિલા તથા પુરૂષના હોવાનું જાણવા મળતાં સમગ્ર મામલો પ્રેમી યુગલ સાથે સંકળાયેલો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. હાલ તો હાંસોટ પોલીસે અસ્થિ અને ખોપડીના ટુકડાંઓ એકત્ર કરી તેને તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ખેતરમાંથી છૂટાંછવાયાં અસ્થિ અને અંગો મળ્યાં
ઇલાવ ગામના શેરડીના ખેતરમાંથી પોલીસે છુટા છવાયા અસ્થિઓ તથા માનવ ખોપડીના ટુકડા મળી આવ્યાં હતાં. પ્રેમી યુગલના મૃતદેહોને રાની પશુઓએ ચુંથી કાઢયાં હોવાથી તેમના અંગો વેરવિખેર થઇ ગયાં છે. મૃતકોની ઓળખ મેળવવા પોલીસે ખેતરમાંથી હાડકા તથા અન્ય અંગોને એકત્ર કરી તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું પોસઇ જાડેજાએ જણાવ્યું હતું.
ખેતરમાંથી પોલીસને શું મળ્યું ?
મહિલાનું બ્લાઉઝ
કપડાંના નાના ટુકડા
પુરૂષનો એક ચંપલ
મહિલાનો એક ચંપલ
ઝેરી દવાની ખાલી બોટલ
અસ્થિ અને માનવ ખોપડીના ટુકડાં
ઝેરી દવાની બોટલ મળતાં આત્મહત્યાની આશંકા
ઈલાવ ગામની સીમમાંથી માનવ કંકાલ મળવાની ઘટનામાં મહિલા અને પુરુષ હોવાનું અને તેમણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની શક્યતા પ્રબળ બની છે. માનવ કંકાલ અને અસ્થિની પ્રાથમિક તપાસમાં તે મહિલા અને પુરૂષના હોવાનું બહાર આવ્યું છે તેવામાં મહિલા અને પુરૂષના મળી આવેલાં ચંપલથી શક્યતાને બળ મળ્યું છે. ઝેરી દવાની બોટલ સંભવિત પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવા તરફ અંગુલિનિર્દેશ કરી રહી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
બે વર્ષમાં માનવ કંકાલ મળવાની બીજી ઘટના
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં ૩૦મી જુલાઇ ૨૦૧૦ના રોજ સીમમાંથી યુવક તથા યુવતીના હાડપિંજર મળી આવ્યાં હતાં. કંકાલ નજીકથી મળી આવેલાં ઓળખપત્રના આધારે બંનેની ઓળખ છતી થઇ હતી.મરનાર યુવક ઉછાલી ગામનો અને યુવતી નવસારીની રહેવાસી હતી. પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતાના ડરે આ યુગલે માટીએડ ગામની સીમમાં ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરી લીધી હતી.
હાડપિંજરનો ડીએનએ ટેસ્ટ કરાશે : પોલીસ
હાંસોટના પોસઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે ઇલાવ ગામના ખેતરમાંથી મળેલા માનવ કંકાલની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાશે. માનવ ખોપડીઓ તથા અસ્થિઓ વેરવિખેર હાલતમાં હોવાથી તેની ઓળખ મેળવવું મુશ્કેલ બની ગયું છે.