વલસાડના તિથલ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને લઇ રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બિલ્ડીંગ તૂટી પડવાની ઘટના બન્યાને એક સપ્તાહ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં પણ હાઉસિંગ બોર્ડ દ્વારા હજુ સુધી કોઇ નક્કર પગલાં લેવાયા નથી.
ત્યારે આ ફલેટધારકોમાં હવે પોતાના મકાનની બજાર કિંમત હાઉસિંગ બોર્ડ ચૂકવી દે એવી માંગણી ઊઠી છે. ક્યાં તો પછી બોર્ડનો વહીવટ ખાનગી કંપનીને સોંપી દેવાય તો આ પેચીદા બનેલા આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
હાઇકોર્ટે ૧૯૮૯ની સાલમાં ફલેટ ધારકોને ૭૫ ટકા રકમ ભરવાનો આદેશ કર્યો હતો. જે ચુકાદાને વળગીને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ બેસી રહ્યા હતા. જ્યારે બીજી તરફ રહીશોનું કહેવુ હતુ કે, મકાનના બાંધકામ સમયે એમઆઇજી ફલેટની મૂળકિંમત R ૬૫ હજાર અને એલઆઇજીની કિં. R ૩૨ હજાર આંકવામાં આવી હતી. જેમાંથી મોટે ભાગના રહીશોની માત્ર R ૧૧થી ૧૨ હજારની રકમ ચુકવવાની બાકી હતી.
કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તે મુજબ રહીશો રકમ ભરવા માટે તૈયાર હતા. પરંતુ બિલ્ડીંગના બાંધકામ સામે શંકા હોવાથી જ્યાં સુધી બિલ્ડીંગની રિપેરિંગ કામગીરી ન થાય ત્યાં સુધી નાણાં ભરવુ જોખમકારક હતુ. જે અંગેની રજુઆત થયા બાદ હાઉસિંગ બોર્ડે પણ મરામત કરવાની તૈયારી દર્શાવી હતી.
તે સમયે બોર્ડે છતમાં પડેલા લીકેજને પૂરવા માટે માત્ર બે ડ્રમ કેમીકલના મોકલાવ્યા હતા. આ સિવાય બાકીની કોઇ કામગીરી રહીશોએ ચુકવેલી રકમ માંથી થઇ ન હતી. જેને લઇ બોર્ડ ઉપરથી ફલેટ ધારકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો.