વાપી નગરપાલિકાના કર્મચારીઓએ શુક્રવારે હોર્ડિંગ્સ ના સરવેની કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન વિવિધ વિસ્તારમાં ફરી હોર્ડિંગ્સની ગણતરી કરી હોવાનું પાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે,પરંતુ પ્રથમ દિવસે હોર્ડિંગ્સ ના સરવેમાં માત્ર વેઠ ઊતારવામાં આવી હોવાનું ફલિત થઈ રહ્યું છે. સરવે બાદ પણ કોઈ ચોક્કસ આંકડો તંત્ર આપી શક્યું નહોતું.
વાપી નગરપાલિકા હદ અને નોટિફાઇડ વિસ્તારમાં કોઇ પણ જાતની પરવાનગી વગર લગાવેલા હોડિ•ગ્સનું જંગલ હટાવવા દિવ્ય ભાસ્કરે અભિયાન હાથ ધર્યું હતું.આખરે શુક્રવારે વાપી નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ વિસ્તારમાં ફરી સરવે કામગીરી કરી હતી, પરંતુ પાલિકાના કર્મચારીઓએ દિવસ દરમિયાન કેટલા પરવાનગી વગરના અને કેટલા જોખમી હોર્ડિંગ્સ પાલિકા હદમાં આવેલાં તેની આંકડાકીય ચોક્કસ માહિતી એકત્ર કરી શક્યા ન હતા.
ઉપરાંત કોઇ ચોક્કસ વિસ્તારમાં પણ કેટલા હોર્ડિંગ્સ લાગ્યા છે, તેની વિગતો મેળવી શક્યા નહોતા. જેના પગલે નગરપાલિકાના કર્મચારીઓએ પ્રથમ દિવસે વિસ્તારમાં આવેલા હોડિ•ગ્સના સરવેની કામગીરીમાં માત્ર વેઠ ઊતારી હોવાનું ફલિત થયું છે.
શહેરીજનો પણ ઈચ્છે છે હોર્ડિંગ્સ હટાવવામાં આવે
દિવ્ય ભાસ્કર દ્વારા ગેરકાયેદે હોર્ડિંગ્સનું જંગલ હટાવવા હાથ ધરાયેલા અભિયાન બાદ હવે વાપીના શહેરીજનો પણ જાહેરમાર્ગ પરથી હોર્ડિંગ્સ હટાવવા માગ કરી રહ્યા છે. મોટા ભાગના શહેરીજનો ઇચ્છી રહ્યા છે કે જોખમી અને ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર થવા જોઇએ. કેટલાક શહેરીજનોએ આ મુદ્દે નગરપાલિકામાં રજુઆત પણ કરી છે.
નોટિફાઇડ વિસ્તારમાં હોર્ડિંગ્સ ક્યારે દૂર થશે?
વાપી નગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સના સરવેની કામગીરી હાથ ધરાઇ છે. સરવેની કામગીરી બાદ ગેરકયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે કાર્યવાહી કરવા અંગે નગરપાલિકાના અધિકારીઓ જણાવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ વાપી નોટિફાઇડ વિસ્તારમાં ઠેર-ઠેર લગાવામાં આવેલા હોર્ડિંગ્સ સામે કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે નગરપાલિકા બાદ નોટિફાઇડ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવી જરૂરી હોવાનું જાણકારો માની રહ્યાં છે.