- દ.ગુ.માં વલસાડનું તાપમાન ફરીથી રાજ્યમાં સેકન્ડ હાઇએસ્ટ થઈ ગયું
સુરત શહેરમાં ફરીથી સૂરજે આગ ઓકવાનું શરૂ કરી દીધું છે,રવિવારે શહેરના તાપમાનમાં સીધો ૩ ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. તેની સાથે જ શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી નોંધાયું છે. સાંજના સાડા પાંચ વાગ્યે પણ શહેર ગરમીથી ધકી રહ્યું હતું.સુરજ ડુબવા આવ્યો છતાં શહેરનું તાપમાન ૩૬ ડિગ્રી જેટલું ઊંચુ હતું.
રાજ્યમાં નવસારીમાં ૪૨ ડિગ્રી જેટલું ટેમ્પરેચર જોવા મળ્યું હતું. નવસારીમાં રવિવારનો દિવસ ચાલુ સમર સિઝનનો સૌથી હોટેસ્ટ દિવસ રહ્યો હતો. વલસાડનું તાપમાન સેકન્ડ હાઇએસ્ટ ૪૦. ૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રાજ્યમાં કચ્છમાં સોમવારે હીટવેવની શક્યતા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં તાપમાન ખૂબ ઊંચુ રહેશે. જેના કારણે દિવસના આકરાં તડકાં પડવાની આગાહી કરવામાં આવી છે.
હજી પણ નોર્થના પવનો ચાલુ રહેશે. જોકે, નોર્થના પવનો ચાલુ રહેતા હજી પણ રાજ્યસ્તરે ઓછી ગરમી અનુભવી શકાય છે કેમકે તે વાતાવરણને ઠંડુ રાખે છે તેવું સ્થાનિક હવામાન વિશેષજ્ઞ દ્વારા જણાવાયું હતું.
નોર્ધર્ન વિન્ડ ‘પરફેક્ટ સમર સિઝન’ નથી બેસવા દેતા
સામાન્ય રીતે ઊનાળાની સિઝનમાં ચાલુ થઈ જતાં નૈઋત્યના પવનો શરૂ થઈ જાય છે. પણ આ વખતે હજી સુધી નૈઋત્યના પવનો ચાલુ નથી થઈ શક્યા કેમકે જ્યાં સુધી વિશ્વના યુરોપ-અમેરિકા જેવા દેશોમાં સ્પ્રિંગ સિઝન ચાલુ નહિ થાય ત્યાં સુધી ભારતમાં નોર્ધન વિન્ડ ચાલુ રહેશે. હજી પણ આ વર્ષે યુરોપ-અમેરિકા જેવા દેશોમાં બરફ ઓગળ્યો નથી. ત્યાં ક્યારેક વરસાદ તો ક્યારેક હિમવર્ષા થઈ રહી છે. જે ભારત સહિત સ્થાનિક હવામાન પર પણ અસર કરે છે અને તેના કારણે‘ પરફેક્ટ સમર સિઝન’ હજી બેસી નથી શકતી. નોર્થના ઠંડા પવનો આગળ નથી જતા.- ડૉ. મહેશ દેસાઈ, પર્યાવરણ વિશેષજ્ઞ