>>અંજની પર્વત, અંજની ગુફા, અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માને છે
>>ડાંગ જિલ્લાના આદિવાસીઓની આસ્થા છે રામ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા
>>આદિવાસીઓ માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું
ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરી ધામ તરીકે વિકાસ પામ્યું છે. શબરી ધામની સામે સાતેક કિ.મી.નાં અંતરે પૂણૉ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો.
ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે.
તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રુતિરૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા.
ડાંગ જિલ્લાનાં ગામેગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાનાં મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે. અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતાં બારેક કિ.મી.નાં અંતરે લીંગા ગામ આવેલું છે. ડાંગના પાંચ રાજવીઓ પૈકી લીંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીયે છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે.
અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદુર હવામાં છોડીએ છીએ. આ સિંદુર પર્વત ઉપર હનુમાનજીનાં સ્થાનક પાસે જ જઇને ચોંટી જાય છે. જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિનાં દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઇ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે. અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે.
છેલ્લાં ૬૨ વર્ષથી ડાંગના આદિવાસીઓની સેવા કરવા ધૂણી ધખાવીને બેઠેલા સ્વાતંત્રય સેનાની ઘેલુભાઇ નાયક જણાવે છે કે ડાંગની પ્રજા પોતાને રામાયણકાળ સાથે સાંકળતી આવી છે. તેઓ પોતાને શબરી માતાનાં વંશજો માને છે. આ પ્રજાના મોટાભાગના લોકોનાં નામ રામાયણનાં પાત્રોનાં નામ ઉપરથી પાડવામાં આવે છે.
રામ, રામો, સીતા, જાનકી, ઝૂનખી, લક્ષુ, લક્ષ્મણ, ભરત, રઘુનાથ, રઘુ નામધારી લોકો પ્રત્યેક ગામમાં જોવા મળશે. આ પ્રજા હનુમાનજીની જેમ પોતાને રામના સેવક માને છે. હનુમાન પરથી અહીંનાં કેટલાંક ગામોનાં નામ હનવતચૌંડ, નકટયા હનવત (ચપટાનાકવાળા હનુમાન) છે. રામાયણ અને રામાયણના પાત્રો અહીંના લોકજીવનમાં વણાઇ ગયેલા છે. પૌરાણિક કાળમાં અહીં યજ્ઞ કરવા માટે કુદરતી કુંડ બન્યા હતા. જે પૈકી અંજનીકુંડ પાસે અંજની પર્વતની ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો એવી આ પ્રજાની નિર્લેપ આસ્થા છે.