એક વર્ષ બાદ મળેલી ખાસ સામાન્યસભામાં એક મિનિટમાં એજન્ડા ઉપરના કામોને આટોપી લેવાયા
ધરમપુર તાલુકા પંચાયતના કોંગ્રેસી પ્રમુખની નિયુક્તિ રદ થયાના બીજા દિવસે ખાસ સામાન્ય સભા એક વર્ષ બાદ મળી હતી. જેમાં એજન્ડા ઉપરના બે કામો ફકત એક મિનિટમાં જ આટોપી લેવાયા હતા. જો કે, સભા અગાઉ સભાના અધ્યક્ષ અને વધુ સંતાનના મુદ્દે સસ્પેન્ડ થયેલા એક સભ્યની સભામાં હાજરીની કાયદેસરતા બાબતે ૧૯ મિનિટ સુધી ચર્ચા ચાલી હતી.
ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં ઉપપ્રમુખ રમુજીભાઇ પળંજયાની અધ્યક્ષતામાં અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તથા સભાના સચિવ એ કે. કલસરીયાની ઉપસ્થિતિમાં બુધવારે ખાસ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સંજોગોમાં સામાન્ય સભા દર ત્રણ મહિને બોલાવાતી હોય છે,પરંતુ પ્રમુખપદના હોદ્દા મુદ્દે અવારનવાર વાતાવરણ ગરમાતું રહેતા આ સભા એક વર્ષ બાદ બોલાવાઈ હતી. આ અગાઉ પણ ગતવર્ષે માર્ચની ત્રીજી તારીખે સભા મળી હતી.
બપોરે ૧ ના ટકોરે શરૂ થયેલી ખાસ સામાન્ય સભામાં પંચાયતના કુલ ર૧ સભ્યો પૈકી ભાજપના ૮ તથા કોંગ્રેસના ૧૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી વધુ સંતાનના મુદ્દે સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના શકારામ કાળુભાઇની સભામાં હાજરીની કાયદેસરતા બાબતે સવાલ ઉભો થતા સભા અધ્યક્ષે નિર્ણય લઇ તેમને ચર્ચામાં ભાગ ન લેવા અને મસ્ટરમાં સહી કરવાથી અળગા રહેવા જણાવ્યું હતું.
બાદ ઉપસ્થિત કોંગ્રેસી સભ્યોએ સભાના અધ્યક્ષની કાયદેસરતા સામે સવાલ ખડો કરતા સભા સચિવે સહુને યોગ્ય સમજ પૂરી પાડી હતી. આ બંને મુદ્દે ચર્ચા આશરે ૧૯ મિનિટ ચાલી હતી. બાદમાં ફકત બે કામોની કાર્યસૂચિનું એક મિનિટમાં જ વાંચન કરી તેને બહાલી આપી દેવાઈ હતી.