-કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ઘરના દરવાજાને લાતો મારી તોડી નાંખ્યું હતું
-બીજે દિવસે શંકરભાઇ ગામના સરપંચ નરેન્દ્રભાઇ રઇજીભાઇ પરમારના ઘરે ગયા હતા
સાવલી તાલુકાના શેરપુરા ગામના સરપંચ સહિત છ જણા સામે ગામના શખ્સને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા સાવલી પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવા પામી છે.
શેરપુરા ગામે હરિજન પરિવારના પિતા શંકરભાઇ મેલાભાઇએ પુત્ર જનકભાઇ તા.૨૪/૧ના રોજ ગામના માજી સરપંચને ઘરે ભજનમાં ગયા હતા અને તેઓના ઘરે શંકરભાઇના પત્ની લક્ષ્મીબેન અને જનકભાઇના પત્ની ઘરે એકલા હતા. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ઘરના દરવાજાને લાતો મારી તોડી નાંખ્યું હતું. અવાજ સાંભળીને લક્ષ્મીબેન બહાર આવતા લાતો મારીને ભાગી ગયા હતા. મોડી રાત્રિના લક્ષ્મીબેનના પતિ શંકરભાઇએ તેમનો પુત્ર ભજનમાંથી ઘરે પરત આવતા જાણ કરી હતી.
બીજે દિવસે શંકરભાઇ ગામના સરપંચ નરેન્દ્રભાઇ રઇજીભાઇ પરમારના ઘરે ગયા હતા. તે વખતે સરપંચની સાથે વિક્રમ ભગવાન પરમાર, નટવર મોતી પરમાર, કાનજી છોટા પરમાર, લક્ષ્મણ છોટા પરમાર અને મોહન મોતી પરમાર બેઠા હતા. ત્યારે શંકરભાઇએ સરપંચ નરેન્દ્રભાઇને ગત રાતના બનાવ અંગે વાત કરી તમે તપાસ કરો અથવા મને તમારો લેટરપેડ લખી આપો જેથી હું ફરિયાદ કરું. ત્યારે સરપંચે શંકરભાઇને કહેલ કે તું ફરિયાદ તારી જાતે કરી લે તેવામાં સાથે બેઠેલા વિક્રમ ભગવાન પરમારે શંકરભાઇનું જાતિ વિષયક અપમાન કર્યું હતું.આ બાબતે લક્ષ્મીબેન શંકરભાઇએ સાવલી પોલીસ મથકે સરપંચ સહિત સાથે બેઠેલા છ બે જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.