Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Exclusive Surat
 

પાર્ટી, પૈસા અને તીન પત્તી લાઇવ

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 2:41 AM [IST](02/09/2010)
 
 
 
 
 
હિંદુ પરંપરા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને જુગાર સાથે કોઈપણ જાતની લેવાદેવા નથી. એક માની લીધેલી અને સ્વીકારાઈ ગયેલી પરંપરાના આધારે જ્યાં ઘણા અતિ શ્રદ્ધાપૂર્વક જન્મોત્સવ ઉજવે છે ત્યાં કેટલાક લોકો જુગાર રમવામાં કોઈ છોછ નથી અનુભવતા.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પરંપરા આવી ક્યાંથી? જુગાર એ ગેરકાયદે હોવા ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિ પણ છે ત્યારે તેને ધાર્મિકતા સાથે કેમ સાંકળવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર દરેકે શોધવો પડશે. દરમિયાનમાં હાલ તુરંત તો જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે કરીએ...

જન્માષ્ટમીએ પ્રાચીન કાળથી જુગાર રમવાનું ચલણ છે. જન્માષ્ટમીની ધાર્મિક સારી બાબતોની સાથે એક નરસી બાબત એવો જુગાર તેના પર ભારી થતો જાય છે. શહેરમાં આ તહેવારનું ઉપરાણું લઈ વિવિધ ફાર્મહાઉસીસ, વાડીઓ, સોસાયટીઓ અને ગલી-મહોલ્લામાં જુગારનાં ધામ ઊભા થઈ જાય છે.

સૌથી વધુ જુગાર રમાય છે તે વરાછા, કતારગામ, પૂણા, પીપલોદ અને અડાજણની કેટલીક સોસાયટીઓમાં મુલાકાત વેળા કેટલીક મહિલાઓ પણ તેમાં સામેલ હતી. તેઓએ જુગારને ધાર્મિકતા સાથે જોડી બચાવ કર્યો અને મહાભારત કાળથી જુગાર રમાતો હોવાથી અમારી સાહસવૃત્તિ વધે છે તેવી વાત કરી.

સુરત શહેરમાં માલેતુજાર લોકોનાં ફાર્મહાઉસો આમ તો એક અઠવાડિયાથી ‘હાઉસફુલ’ છે. કરોડો રૂપિયાનો જુગાર રમતા યુવાનો જ નહીં મોટેરાઓ પણ જન્માષ્ટમીને લઈ ભારે ઉત્સુક છે. દરવર્ષે માત્ર સુરત શહેરમાં ૨૦૦ કરોડનો જુગાર રમાતો હોવાનો અંદાજ છે ત્યારે ખરેખર જુગારની આ પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે તે જાણીને સૌ કોઈ દંગ રહી જશે.

૫૦ કલાક સુધી પણ જુગાર રમાય છે

વરાછામાં હીરાનો ધંધો કરતા યુવાનોના એક ગ્રુપે બુધવારે ૧૨ વાગે ઉમરા વિસ્તારના ફાર્મહાઉસમાં જુગાર રમવાનું આયોજન કર્યું હતું. ઊંચી બ્રાન્ડનો દારૂ, ખાસ પ્રકારનું વેજ-નોનવેજ ભોજન હોય અને સેવાચાકરી કરનારા માણસોનો સ્ટાફ હોય પછી શું જોઈએ ! વળી પરિવારના સભ્યોને પણ સઘળી જાણ હોય કે મારા પતિ જન્માષ્ટમીએ ગાયબ થઈ જાય તેમાં કોઈ નવાઈ નથી.

એ જ રીતે દરેક ફાર્મહાઉસમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આમ તો શ્રાવણ માસની શરૂઆતથી થઈ જાય છે પરંતુ જન્માષ્ટમીની આગલી રાતથી જન્માષ્ટમીના બીજા દિવસ સુધી સતત જુગાર રમવાનાં સ્થળો દિનપ્રતિદિન વધતાં જાય છે. હાર્યા જુગારી બમણું રમીને પછી દેવાદાર બને છે અને ચુકવણું કરતા વર્ષોના વર્ષ વીતિ જાય છે

સુરતીઓ પણ શોખીન

મૂળ સુરતી લોકોમાં પણ જન્માષ્ટમીનો જુગાર રમવાની પ્રવૃત્તિ ધમધમી રહી છે. કોટ વિસ્તારમાં આવેલી ઇમારતોમાં રોજ જોવા મળતો કોલાહલ શાંત થઈ ગયો છે. મોડી રાત સુધી પરિવાર સાથે જુગાર રમી રહેલા મૂળ સુરતીઓ પણ એક જ રાતમાં લાખો રૂપિયાનો જુગાર રમી કાઢે છે.

અજાણ્યા માટે ‘નો એન્ટ્રી’

વળી જન્માષ્ટમીના જુગારની અગાઉથી જ તૈયારી કરવામાં આવે છે. ખાસ પ્રકારનાં પાનાં, ગ્રુપના લોકો જ પોતાની સાથે જુગાર રમવા બેસવા જોઈએ, કોઈ અજાણ્યો માણસ એન્ટર થતો હોય તો તેના અંગે પૂરતી માહિતી મળ્યા પછી જ તેને બોર્ડ પર બેસવા દેવામાં આવે છે.

૫ કલાકમાં કેટ બદલાઈ જાય છે

જુગારની પ્રવૃત્તિમાં રસપ્રદ બાબત એ છે કે ૫ કલાકમાં કેટ (પાનાં) બદલાઈ જાય છે. કારણ કે જુગારરસિયાઓ પાનાં ઓળખવા લાગે છે. સામેના માણસને આવેલું પાનું કર્યું છે તેની ઓળખ ન થાય તે માટે આઠ કે દસ ગેમ પછી પાનાં બદલી નાંખવામાં આવે છે.

વ્યવસ્થાપકને લાખોની આવક

ફાર્મહાઉસોમાં ચાલતા જુગારમાં પાનાં, પાણી, ડ્રિકસ, માવા જેવી સગવડો સાચવતા વ્યવસ્થાપકને લાખો રૂપિયાની ટીપ મળે છે. દરેક ગેમમાંથી તેનો હિસ્સો અલગ જ તારવી લેવામાં આવે છે. આથી વ્યવસ્થાપક પણ સર્વિસ આપવામાં ભારે ઉત્સુકતા દાખવે છે.

હારનારનું વર્ષ સુધી ચુકવણું

જુગાર રમવા માટે સાપુતારા, મા. આબુ, એમ્બીવલી, મુંબઈ, મહાબળેશ્વર જેવાં સ્થળો હોટફેવરિટ છે. જુગારનું બોર્ડ પૂરું થાય એટલે તમામ હિસાબ ચૂકતે થઈ જાય છે. પરંતુ જુગારમાં લાખો રૂપિયા હારી જનારા લોકો એક વર્ષ સુધી ચૂકવણું કરી શકતા નથી. કેટલાક કિસ્સામાં તો બીજી જન્માષ્ટમી સુધી રાહ જોવી પડે છે.

જાણ થશે તો છાપા મારીશું

શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચના ડીસીપી મનિન્દરસિંગ પવારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જન્માષ્ટમીના જુગાર માટે કોઈ એકશન પ્લાન હોતો નથી પરંતુ અમે જુદી જુદી ટીમો બનાવી છે જ્યાંથી પણ જુગાર કે દારૂ અંગે ઇન્ફોર્મેશન મળશે ત્યાં અમે છાપા મારીશું અને આ કામ કરનાર સામે કેસ કરીશું.

મહાભારત કાળથી રમાય છે, સાહસવૃત્તિ વધે છે

કેટલાક જુગારીઓ સાથે વાત કરવાનો મોકો મળી જતાં તેમણે પોતાનો બચાવ કરતાં જબરદસ્ત દલીલ કરી હતી. મહાભારતમાં ચોકઠા રમાયા ત્યારથી આ પ્રથા છે. અમે એન્ટરટેઇન્મેન્ટ માટે પોતાના ખર્ચે અને જોખમે જુગાર રમીએ તેમાં કોઈને વાંધો શું હોઈ શકે ! તો એક જુગારીએ જણાવ્યું હતું કે તમને શી ખબર પડે ! જુગારથી તો સાહસવૃત્તિ વધે છે.

પાંડવોએ પત્ની ગુમાવી હતી, સત્યનો પાયો તૂટે છે

ઇસ્કોન મંદિરના સ્વામી મૂર્તિમાન દાસે જુગારીઓની દલીલ અંગે કહ્યું હતું કે મહાભારતમાંની બીજી સારી બાબતોનું અનુકરણ કેમ થતું નથી. ચોકઠા રમવાથી પાંડવોને પત્નીથી પણ હાથ ધોવા પડ્યા હતા. ધાર્મિક રીતે જોઈએ તો સત્ય, દયા, તપ અને પવિત્રતા નામના ચાર પાયા પર માનવીનું જીવન ટકેલું છે. જુગાર જેવી પ્રવૃત્તિથી સત્યનો પાયો તૂટી જાય છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.