નવસારીમાં બુધવારે મોસમનું સૌથી ઓછુ ૯ ડિગ્રી તાપમાન નોંધાયું, આખો દિવસ લોકો ઠુઠવાતા રહ્યા
ફ્રેબુઆરી માસમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઓછુ થાય છે ત્યારે આ વખતે શિયાળાની મોૈસમનું સૌથી ઓછુ તાપમાન ફેબ્રુઆરીમાં નોંધાયું છે. નવસારીમાં બુધવારે તાપમાનો પારો ૯ ડીગ્રી સુધી ગગડ્યો હતો. જ્યારે સાપુતારામાં રેકોર્ડબ્રેક પ ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના સાપુતારામાં તાપમાન માપવા માટે કોઇ સાધન જ નથી. આહવામાં આવેલી કલેક્ટર કચેરીમાં તાપમાન માપવા માટે કોઇ સાધન વસાવાયું જ નથી. આ અંગે રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. જ્યારે સાપુતારામાં તાપમાન માપવા માટેનું સાધન તો છે પણ બગડેલી હાલતમાં. તેવા સંજોગોમાં સાપુતારામાં સામાજિક કાર્યકર રિતેશ આર. પટેલ પાસે તાપમાન માપવા માટેનું સાધન છે. તેમના જણાવ્યા અનુસાર સવારે હુ ચાલવા ગયો ત્યારે તાપમાન ૫ ડીગ્રી હતુ.
નવસારીમાં બુધવારે તાપમાનમાં અધધ ઘટાડો થઈ પારો ૯ ડિગ્રી ઉપર ઉતરતા જ ઠંડીમાં ભારે વધારો થયો હતો. બુધવારે સમગ્ર શિયાળાની મોસમનું સૌથી ઓછુ લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન નોંધાયું હતું.
નવસારીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું. સાથોસાથ પવન જારી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બુધવારે તો વાતાવરણમાં વધુ પલટાવ આવ્યો હતો.
બુધવારે વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયાનું લોકોએ અનુભવ્યું હતું. સવાર બાદ બપોરે અને બપોર બાદ સાંજે પણ શીતલહર જારી રહી હતી. વર્તમાન શિયાળાની મોસમમાં બુધવારે નવસારીમાં સૌથી ઓછુ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું હતું. એટલું જ નહીં બપોરના સમયે મોસમનું સૌથી ઓછુ મહત્તમ તાપમાન પણ ૨૪ ડિગ્રી રહ્યું હતું.
તાપમાનમાં ભારે ઘટાડા ઉપરાંત દિવસ દરમિયાન પવન પણ ફૂંકાતો રહ્યો હતો. જેને લઈ આખોય દિવસ લોકો શીતલહરમાં ઠુઠવાતા રહ્યા હતા. બુધવારે આખોય દિવસ મહત્તમ લોકો ગરમ વસ્ત્રો ધારણ કરેલા જ જોવા મળ્યા હતા. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૦ ટકા તથા દિવસે ૧૫ ટકા નોંધાયું હતું.