સોમવારે ઉમરગામ સ્ટેશને મુંબઇ જતી ફિરોઝ જનતા એક્સપ્રેસ રીઝર્વેશન કોચમાં ચઢવાના મુદ્દે ટીસી અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પ્રકરણમાં ત્રીજા દિવસે નવો વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં ટીસીના મારનો ભોગ બનેલા વિદ્યાર્થી દિપેશના પિતા જયંતિલાલે ટીસીઓ વિરૂદ્ધ વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે.આ અગાઉ ટીસીએ પણ ૧૫ યુવકો વિરૂદ્ધ મુંબઇમાં ફરિયાદ નોંધાવી હતી.
ટીસીના મારનો ભોગ બનેલા વિદ્યાર્થીને મંગળવારે રાત્રે વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં તે બેભાન અવસ્થામાં હોય વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. વલસાડ રેલવે પોલીસે પહેલા ફરિયાદ લેવા આનાકાની બાદ બુધવારે રાત્રે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
ઉમરગામના સોળસુંબાના રહીશ અને સેલવાસની એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દિપેશ જયંતિલાલ ઉપર ટીસીઓએ હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેની હાલત વધુ કથળતા મંગળવારે વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો.
જ્યાં હાલે તે બેભાન અવસ્થામાં છે. જેને વધુ સારવાર માટે સુરત ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું વલસાડ સિવિલ સર્જન ડૉ. આર.એમ.જીતિયાએ જણાવ્યું હતુ.
બીજી તરફ દિપેશ જયંતિલાલ ઉ.વ. ૧૯ ના પિતા જયંતિલાલ બાલચંદજીએ મંગળવારે પહેલા વાપી રેલવે આઉટ પોસ્ટ અને ત્યાર બાદ વલસાડ રેલવે પોલીસ મથકમાં પોતાના પુત્રને માર મારવા બદલ ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ટ્રેનના ટીસીઓ વિરૂદ્ધ ફરિયાદ અરજી કરી હતી.
પોલીસ સમક્ષ રજૂ કરેલી ફરિયાદ અરજી મુજબ કોલેજમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર દિપેશ જૈન ૩૦ ઓગષ્ટના રોજ વાપીથી ઉમરગામ ફિરોઝપુર એક્સપ્રેસ ટ્રેનમાં તેના મિત્રો સાથે જઇ રહ્યો હતો. ત્યારે સાત થી આઠ જેટલા ટીસીઓએ દિપેશને માર મારી તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન, રેલવે અને એસટીનો પાસ લઇ લીધો હતો. ઉમરગામ સ્ટેશને ટ્રેન આવતા સાથી મિત્રોએ ટીસીને દિપેશને છોડી દેવાની વિનંતી કરવા છતાં ટીસીઓએ તેને ઉતરવા દીધો ન હતો.