જીમના ઇન્સ્ટ્રકર ઉપર બે અજાણ્યા ઇસમોએ તમંચામાંથી ગોળી છોડી
સેલવાસ બાવીસા ફળિયા વિસ્તારમાં સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે જૂના પ્રેમપ્રકરણની અદાવત રાખી જીમના ઇન્સ્ટ્રકટર પર તમંચાથી ફાયરિંગ કરી ગોળી ધરબી દીધી હતી. દેશી તમંચા જેવા હથિયારથી ફાયરિંગ કરીને બાઇક ઉપર બે અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા. સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વાપીની હરિયા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.
સેલવાસ ખાતે રહેતા ૩૫ વર્ષીય દોલત પટેલ બે વર્ષ અગાઉ તેના જીમમાં આવતી પૂનમસીંગ નામની મહિલા સાથે પ્રેમસંબંધ બંધાતા તેને લઇને ફરાર થઇ ગયો હતો. આ પ્રકરણમાં તેની સેલવાસ પોલીસે ધરપકડ કરતા છેલ્લા દોઢ વર્ષથી તે જેલમાં હતો. જોકે, બે માસ અગાઉ જ જામીન મળતા છુટયો હતો.
સેલવાસના બાવીસા ફળિયા વિસ્તારમાં દોલત પટેલ જઇ રહ્યો હતો. ત્યારે એક મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ દેશી તમંચાથી ફાયરિંગ કરી ગોળી તેના શરીરમાં ધરબી દઇ ફરાર થઇ ગયા હતા.
દોલત પટેલને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, સાત એમ.એમ.ની ગોળી ખભાથી લઇ પાંસળી સુધી પહોંચી જતાં તેને વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ મહાજને જણાવ્યું કે, દેશી તમંચાથી એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે.
સંઘપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગંભીર પ્રકારના ગુનાઓ છાશવારે બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ દમણમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે ફરી એક વખત સોમવારે રાત્રે સેલવાસના બાવીસા ફળિયા જેવા ભરચક વિસ્તારમાં સરેઆમ બાઇક પર આવેલા બે ઇસમો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા.
પૂનમસીંગને ભગાડી જવાના કિસ્સામાં દોલત જેલમાં હતો. બે માસ અગાઉ જ તેના જામીન થયા હતા. જોકે, દોલત પોતાના મિત્ર વર્તુળ અને સંબંધીઓ સાથે ચર્ચામાં જણાવતો હતો કે, પૂનમસીંગના સંબંધીઓ ગમે ત્યારે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની પેરવી રચી રહ્યા હોવાની તેને આશંકા હતી.