બપોરના અરસામાં આગથી કામદારોમાં નાસભાગ: એક કામદાર દાઝયો
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સિકવેન્ટ સાયન્ટિફિક લિમિટેડ નામની ઈન્ટર મીડીએટ પ્રોડકટ બનાવતી કંપનીમાં શુક્રવારના બપોરે ૧.૧પ વાગ્યાના અરસામાં ધડાકાભેર આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, કોસંબા ઉપરાંતના ફાયર ફાઈટરોની ૧પથી વધુ લાઈબંબાની ટીમ આગ બુઝાવા માટે કામે લાગી હતી.આગના બનાવમાં એક કર્મચારી દાઝ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાનોલી ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૨૬/૨૬/બી પર આવેલી સિકવન્ટ સાયન્ટિફિક કંપનીમાં શુક્રવારે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો પ્લાન્ટ ચપેટમાં લઈ લીધો હતો.
આકાશમાં પ૦ મીટર કરતા ઉંચે ધુમાડાના ગોટેગોટા ઉડયા હતાં. આગ સાથે બે થી વધુ ધડાકા થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. કંપની વર્તુળ દ્વારા બનાવ સંદર્ભે પાનોલી નોટીફાઈડ ફાયર, અંંકલેશ્વર ડીપીએમસી, અંકલેશ્વર પાલિકા, ઝઘડિયા, કોસંબા ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાઈટરોની ટીમ મદદે બોલાવતા ૧પથી વધુ લાઈ બંબા વડે આગ પર કાબુ મેળવા માટે ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી.
એસ.૧ પ્લાન્ટમાં જવંલત સીલ પ્રકારના કેમિકલોનો વિપુલ જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની સાથે ફાયર ફાઈટરોની ટીમને ત્રણથી વધુ કલાકની જહેમત બાદ આગ પર અંશત: કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા કંપની વર્તુળે હાશકારો અનુભવ્યો હતો. બનાવ સંદર્ભે કંપની વર્તુળે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.