ધરણાં, રેલી અને બસ રોકો આંદોલન છેડી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
નર્મદા જિલ્લામાં શિક્ષણ સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ ધો.૧૦ન ઉચા પરિણામને કારણે ધો.૧૧નાં ૪ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં છે. વિદ્યાર્થીઓ પ્રવેશ મટે ફાંફાં મારી રહ્યાં છે ત્યારે શિક્ષણ વિભાગ કે સરકાર તરફથી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ અંગે કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ યૂથ કોંગ્રેસના નેજા હેઠળ આજે ‘બસ રોકો આંદોલન’ ઉપરાંત રેલી અને ધરણાના કાર્યક્રમ યોજાયા હતાં.
વિદ્યાર્થીઓને માન્ય વર્ગોની શાળામાં ઘેટાં બકરાંની માફક ભરીને ગુણવત્તા વિહીન શિક્ષણ ભણાવવામાં આવે છે ત્યારે સરકારે નવા વર્ગો શરૂ કરી ગ્રાન્ટેડ શાળાઓને વર્ગોની મંજૂરી આપી તમામ બાળકોને સમાવવાની માંગ ઉઠી છે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને વહારે આવનાર યૂથ કોંગ્રેસે વારંવાર આવેદનપત્ર અને રજૂઆતો કરવા છતાં પગલાં ભરવામાં નહીં આવતા આજે યુવા કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો યોજ્યાં હતાં. જેમાં નાંદોદ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાં યૂથ કોંગ્રેસની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વડિયા ચોકડી સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં કરાયા હતાં.
જેમાં પ્રમુખ હરેશ વસાવા તથા એન.એસ.યુ.આઈ પ્રમુખ નીલમ બહેન વસાવા સહિત યૂથ કોંગ્રેસનાં આગેવાનો, કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પી.ડી.વસાવા, જિલ્લા પ્રમુખ મણીભાઈ વસાવા, ઉપપ્રમુખ જયંતિ વસાવા , વિરોધપક્ષના નેતા દિનેશ તડવી, જતીન વસાવા, પ્રફુલ્લ પટેલ, યૂથ કોંગ્રેસના શેરખાન પઠાણ સહિતનાં આગેવાનો તથા મોટી સંખ્યામાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જોડાઈને ધરણાં કર્યા હતાં. ગાંધીજીની પ્રતિમા આગળ બસ રોકો આંદોલન કર્યું હતું. ત્યારબાદ રેલી યોજી જિલ્લા કલેક્ટરાલય ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કરતા કલેક્ટર પણ ઉઠયા હતાં. જોકે ધો. ૧૧માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓની સંખ્યા જોઈને કલેક્ટર પી.એમ.સોમપુરાએ ઘટતું કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
યૂથ કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવા તથા પ્રદેશ ઉપપ્રમુખ પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે, આજે ૧૧માં ધોરણમાં પ્રવેશનો વિકટ પ્રશ્ન છે.બસો નિયમિત આવતી નથી જેથી જિલ્લાનું શિક્ષણ કથળી રહ્યું છે. આ આદિવાસી જિલ્લામાં શિક્ષણ માટે સરકારે તત્કાળ પગલાં ભરવા જોઈએ, જો સરકાર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં આંદોલન વધારે જલદ બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બસો મોડી પડતાં વિદ્યાર્થીનીઓની હાલત કફોડી
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આસપાસ આવેલાં ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પરંતુ એસટી બસોની અપુરતી તેમજ અનિયમિત સુવિધાથી તેમની હાલત કફોડી બની જાય છે. ઘણી વખત એસટી બસો રાત્રે ૧૦ કલાકે પહોંચતી હોવાથી એકલ દોકલ જતી વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવોને પણ નકારી શકાય તેમ નથી.